વોશિંગ્ટન: પટેલ પરિવારના ચાર સભ્યો કે જેઓ 2022માં કેનેડા-અમેરિકાની બોર્ડર પાર કરતી વેળા બર્ફીલા તોફાન દરમિયાન થીજીને મોતને ભેટ્યા હતાં તે કેસ હજુ પણ માનવ દાણચોરીના કેસોમાં કેન્દ્રસ્થાને છે. અમેરિકાની એક ફેડરલ કોર્ટે ગયા મંગળવારે આ ચાર લોકોના મોત સંદર્ભે દોષિત જાહેર કરાયેલાં બે આરોપીઓ દ્વારા કરાયેલી નવી ટ્રાયલની અરજી ફગાવી દીધી હતી. હ્યુમન ટ્રાફિકિંગના આ કેસમાં દોષિત જાહેર કરાયેલાં હર્ષકુમાર રમણલાલ પટેલ અને સ્ટીવ એન્થની શેંડને કોર્ટે નવી ટ્રાયલથી વંચિત કરી દીધા હતાં. ઉલ્લેખનીય છે કે આ બહુચર્ચાસ્પદ ઘટનામાં 39 વર્ષના જગદીશ પટેલ, તેમના પત્ની વૈશાલીબેન પટેલ અને તેમના બે સંતાનો 11 વર્ષની પુત્રી વિહાંગી અને ત્રણ વર્ષના પુત્ર ધાર્મિકના મૃત્યુ નીપજ્યા હતા. અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવાના પ્રયાસ વેળા 19 જાન્યુઆરી, 2022ના રોજ બર્ફીલા તોફાનમાં તેઓ માર્યા ગયા હતા.