ચિરંજીવી સાહિત્યકાર ભગવતીકુમાર શર્માનું અનંતની યાત્રાએ પ્રયાણ

Wednesday 12th September 2018 07:05 EDT
 
 

સુરતઃ નવલકથા ‘અસૂર્યલોક’, ટૂંકી વાર્તા ‘શબ્દાતીત’ અને ‘બિસતંતુ’ ઉપરાંત નિબંધો, ગઝલ સંગ્રહો, કાવ્ય સંગ્રહો તેમજ સાહિત્ય અને પત્રકારત્વના મોરચે ભગવતીકુમાર શર્માએ પાંચમી સપ્ટેમ્બરે ફાની દુનિયામાંથી વિદાય લીધી હતી. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને થોડા સમયથી તેમને ફેફસાંમાં પણ ઈન્ફેકશન થયું હતું. જેથી પાંચમીએ સવારે છ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધાં હતાં. 
ભગવતીકુમાર શર્માને સાહિત્ય વર્તુળમાં લોકો અપ્પુના હુલામણા નામથી ઓળખતા હતા. તેમણે જીવનકાળ દરમિયાન ૧૩ નવલકથા, ૧૧ નવલિકા સંગ્રહો, ૧૦ નિબંધ સંગ્રહો, ૧૪ કાવ્યસંગ્રહો, પ્રવાસકથાઓ તેમજ આત્મકથા સહિત કુલ ૮૧ પુસ્તકો લખ્યાં હતાં. સંખ્યાબંધ પુરસ્કારોથી નવાજાયેલા અપ્પુજીને વર્ષ ૨૦૦૦માં તત્કાલીન વડા પ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીના હસ્તે ‘નચિકેતા એવોર્ડ’ પણ એનાયત થયો હતો. આ ઉપરાંત ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખપદનો તેમનો કાર્યકાળ આજે પણ સાહિત્યપ્રેમીઓ માટે એક યાદગાર સંભારણું છે.
ભગવતીકુમાર શર્માનો જન્મ ૩૧મી મે, ૧૯૩૪ના રોજ સુરતમાં થયો હતો. જન્મથી જ નબળી આંખને કારણે એસએસસી બાદ આંખ સાચવવા માટે તેમણે અભ્યાસ છોડી દીધો હતો, પરંતુ શબ્દયાત્રા તેમની અવિરત રહેતા તેઓ ચાળીસમા વર્ષે તેઓ આર્ટ્સ ગ્રેજ્યુએટ થયા હતા. એ સમયે તેમની કેટલીય વાર્તાઓ અને પુસ્તકોનો યુનિર્વિસટીના અભ્યાસક્રમમાં સમાવેશ થયો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કરતાં કહ્યું કે, વડીલ સાહિત્યકાર ભગવતીકુમાર શર્માના નિધનથી આઘાતની લાગણી અનુભવું છું. સાહિત્ય અને શિક્ષણ પ્રત્યેનો તેમનો લગાવ અભૂતપૂર્વ હતો, તેમનું સાહિત્ય સર્જન કદી વિસરાશે નહીં. દુઃખના આ પ્રસંગે સદ્ગતના પરિવારને સાંત્વના આપે એવી પ્રભુ પ્રાર્થના.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વડીલ સાહિત્યકાર અને વરિષ્ઠ પત્રકાર ભગવતીકુમાર શર્માના દુઃખદ અવસાન અંગે ઘેરા શોક અને દુઃખની લાગણી વ્યક્ત કરીને સદ્ગતને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે કહ્યું કે, ભગવતીકુમાર શર્માના નિધનથી સાહિત્ય જગત અને પત્રકારિતા ક્ષેત્રને ન પુરાય તેવી ખોટ
પડી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter