અંબાજીઃ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં છેલ્લા ૭૬ વર્ષથી અન્નજળ વગર જીવતાં ચૂંદડીવાળા માતાજી ૯૧ વર્ષની વયે દેવલોક પામ્યા છે. ચુંદડીવાળા માતાજીનું મૂળ નામ પ્રહલાદભાઈ જાની હતું. તેઓએ ચરાડા ખાતે દેહત્યાગ કર્યો છે. ૨૮ મેના રોજ અંબાજી ખાતે તેમને સમાધિ અપાશે. છેલ્લા ૭૬ વર્ષથી ચુંદડીવાળા માતાજી અન્ન-પાણી લેતા નહોતા. માર્ચમાં સોશિયલ મીડિયા પર ચુંદડીવાળા માતાજીના દેવલોક પામ્યાની અફવા ફેલાઈ હતી. પરંતુ તેઓએ મંગળવારે મોડી રાતે તેમને દેહત્યાગ કર્યો હતો.
મૂળ ચરાડા ગામ વતની પ્રહલાદભાઈ જાની ચુંદડીવાળા માતાજી તરીકે સમગ્ર દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. તેમણે છેલ્લા ૭૬ વર્ષથી નથી ખાધું કે નથી પીધું અને આ જ કારણથી સમગ્ર દેશની સાથે ડોક્ટરો અને વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત હતા. ચુંદડીવાળા માતાજીની વેશભૂષાથી જાણવા મળે છે કે તેઓ એક સંન્યાસી હતા. સફેદ દાઢી અને નાકમાં નથણી અને લાલ કપડામાં સજ્જ ચુંદડીવાળા માતાજીનો પહેરવેશ હતો.