અમદાવાદઃ રાજ્યની છ મહાનગરપાલિકામાં યોજાયેલી ચૂંટણીમાં તમામમાં ભાજપને બહુમતી મળ્યા બાદ અમદાવાદ, વડોદરા, ભાવનગર, સુરત, રાજકોટ અને જામનગરમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિગ ચેરમેન સહિતના પદાધિકારીઓની વરણી કરવામા આવી છે.
અમદાવાદના મેયર પદે કિરીટ પરમાર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટાયેલી પાંખની ૧૧ માર્ચે યોજાયેલી પ્રથમ સામાન્ય સભામાં શહેરના નવા મેયર તરીકે કિરીટ પરમાર ચૂંટાઈ આવ્યા છે. શહેરના મેયરપદ માટે કોંગ્રેસે કોઈ ઉમેદવાર ઉભા નહીં રાખવાને પગલે કિરીટ પરમારને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા હતા. મેયરપદે ચૂંટાયા પછી કિરીટ પરમારે શહેરના ડેપ્યુટી મેયર તરીકે ગીતાબેન પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ૧૨ સભ્યોના નામ જાહેર કરવા સાથે પક્ષના નેતાપદે ભાસ્કર ભટ્ટ, સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે હિતેશ બારોટ અને દંડક તરીકે અરૂણસિંહ રાજપૂતની વરણી કરાઈ હતી.
વડોદરામાં કેયૂર રોકડિયા મેયર
વડોદરાના મેયરપદે કેયૂર રોકડિયાની વરણી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નંદાબહેન જોષી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનપદે ડો.હિતેન્દ્ર પટેલ, પક્ષના નેતા તરીકે અલ્પેશ લિંબાચિયા અને દંડક તરીકે ચિરાગ બારોટની નિમણૂંક થઈ છે. મેયરપદે નિયુક્ત થયેલા કેયુર રોકડિયા અગાઉ મ્યુ. કોર્પોરેશનમાં શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચુક્યા છે.
ભાવનગરમાં મેયર પદે કીર્તિબહેન દાણીધારિયા
ભાવનગર મ્યુ. કોર્પોરેશનમાં મેયર તરીકે ભાજપના ચૂંટાયેલા નગર સેવકોએ કીર્તિબહેન દાણીધારિયાની વરણી કરી હતી. ડેપ્યુટી મેયર પદે કુણાલ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ધીરૂભાઈ ધામેલિયા, પક્ષના નેતા તરીકે બુધાભાઈ ગોહિલ અને મુખ્ય દંડક તરીકે પંજકસિંહ ગોહિલની પસંદગી કરવામાં આવી છે. કિર્તીબહેન દાણીધારિયા અગાઉ આરોગ્ય કમિટીમાં હતા.
સુરતમાં હેમાલી બોઘાવાલા મેયર
સુરતમાં સંજીવકુમાર ઓડિટોરિયમ હોલમાં ગયા શુક્રવારે સવારે ૧૧ કલાકે ભાજપના ૯૩ અને પ્રથમ વખત આપ પક્ષના ૨૭ સભ્યો મળી કુલ ૧૨૦ સભ્યોની મહાપાલિકાની બોર્ડ કમિશનર બંછાનિધિ પાનીના અધ્યક્ષ સ્થાને મળી હતી. તેમાં નવા નિયમ પ્રમાણે પદાધિકારીઓની વરણી કરવામાં આવી હતી. મેયર તરીકે હેમાલી બોઘાવાલા, ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી, સ્ડેન્ડિંગ ચેરમેન પરેશ પટેલ સહિત ૧૧ સભ્યોની વરણી કરવામાં આવી છે.
રાજકોટમાં મેયર પદે ડો. પ્રદીપ ડવ
રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપને બહુમત મળ્યા બાદ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિગ કમિટીના સભ્યોની વરણી માટે જનરલ બોર્ડ મળ્યું હતું. બોર્ડમાં વોર્ડ નં. ૧૨માંથી ચૂંટાયેલા ૩૭ વર્ષના ડો. પ્રદીપ ડવની રાજકોટ શહેરના ૨૧મા મેયર તરીકે વરણી કરાઇ હતી. ડેપ્યુટી મેયર તરીકે ડો. દર્શિતાબેન શાહ નિમાયા હતા. તેઓ ગત ટર્મમાં પણ ડેપ્યુટી મેયર તરીકે રહી ચૂક્યા છે. બોર્ડમાં સ્ટેન્ડિંગ કમિટીના ૧૨ સભ્યોના નામ નક્કી થયા હતા અને ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી અને તેમાં પુષ્કર પટેલ પસંદ થયા હતા. તેઓ પણ રિપિટ થયા છે.
જામનગરમાં મેયર પદે બીનાબહેન કોઠારી
જામનગરના મેયર તરીકે બીનાબહેન કોઠારીની વરણી કરાઇ છે. મેયર બીનાબહેન કોઠારીના સસરા ધીરુ કોઠારી જનસંઘથી સંઘ પરિવાર સાથે જોડાયેલા હતા. ત્યારબાદ તેમના પતિ અશોક કોઠારી પણ સંઘ પરિવારમાં કામ કરી રહ્યા છે. અને હાલ રામ જન્મભૂમિના નિર્માણને લઇ શહેરમાં રામ જન્મભૂમિની કામગીરીમાં યોગદાન આપી રહ્યા છે. એવું કહેવાય છે કે બીનાબહેનના અત્યાર સુધી પોતાની પાસે કોઇ અત્યાર સુધી પોતાની પાસે કોઇ હોદ્દો ન હોવા છતાં હંમેશા મોખરે રહીને દિલથી કામ કર્યું છે જેથી તેમના કામની કદર થઇ છે.