અમદાવાદઃ ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગ, જાપાનના વડા પ્રધાન શિન્જો આબે અને ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પછી કેનેડાના વડા પ્રધાન ચોથા આંતરરાષ્ટ્રીય મહાનુભાવ છે જેઓએ ગુજરાતની મુલાકાત લીધી છે. અલબત્ત, અગાઉના ત્રણેય મહાનુભાવો સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે જ રહ્યા હતા. આ વખતે ટ્રુડો પરિવાર સાથે મોદી ગુજરાત સફરે નથી.
ભારતની સાત દિવસની મુલાકાત માટે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો શનિવારે નવી દિલ્હી આવી પહોંચ્યા હતા. રવિવારે ટ્રુડો, તેમનાં પત્ની અને ત્રણ બાળકોએ વિશ્વ વિખ્યાત તાજમહેલની મુલાકાત લીધી હતી. તેઓની ભારત મુલાકાતમાં અમૃતસરના ગોલ્ડન ટેમ્પલનો પણ સમાવેશ થયો છે. સોમવારે સવારે ૧૦ વાગે રોયલ કેનેડાના વિશેષ વિમાન મારફતે ટ્રુડો પરિવાર અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યો હતો. પરંપરાગત ભારતીય વસ્ત્રોમાં સજ્જ ટ્રુડો પરિવારને આવકારવા માટે એરપોર્ટ પર કેબિનેટના વરિષ્ઠ પ્રધાન ગણપતભાઈ વસાવા પહોંચ્યા હતા. તેમની સાથે ચીફ સેક્રેટરી જે. એન. સિંઘ પણ હાજર હતા. સાંસ્કૃતિક કાર્યક્રમો વચ્ચે ટ્રુડોનું પારંપરિક સ્વાગત કરાયું હતું.
ટ્રુડો કુટુંબ એરપોર્ટથી સીધું ગાંધીઆશ્રમ પહોંચ્યું હતું. અહીં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને નમન કરીને પરિવારે ચરખો ચલાવ્યો હતો. જસ્ટિને ગાંધીઆશ્રમની વિઝિટ બુકમાં સંદેશ લખીને ખુશી વ્યક્ત કરી હતી. ટ્રુડોએ ટાંક્યું હતું કે, ગાંધીઆશ્રમઃ શાંતિ માનવતા સત્યનું અનુપમ સ્થળ.
ટ્રુડો પરિવાર ગાંધી આશ્રમની મુલાકાત બાદ ગાંધીનગર અક્ષરધામ પહોંચ્યો હતો. અહીં પરિવારે અડધો કલાક જેટલો સમય પસાર કર્યો હતો. આશ્રમ રોડની એક પંચતારક હોટેલમાં લંચ લઈને જસ્ટિન ટ્રુડોએ બપોરે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદના વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું.
આઈઆઈએમ અમદાવાદમાં ટ્રુડોએ મહિલા સમાનતા, ઇમિગ્રન્ટ્સ, લઘુ ઉદ્યોગો, મહાત્મા ગાંધી તથા પછાત વર્ગો વિશે વાત કરી હતી.
તેમણે રાજકારણ વિશે કહ્યું કે, નેતા બાબતે જનતા 'મૂરખ' નથી. નેતા શું અને કેવું કામ કરે છે તે પ્રજા જાણતી હોય છે. હું એવો છું કે 'નિરાશાવાદ'થી મને ડર લાગે છે. તે સમસ્યાઓમાંથી છૂટકારાનો સસ્તો રસ્તો છે. સમાજમાં સારું થાય તે માટે સતત પ્રયાસો કરવા 'આશાવાદ' જાળવી રાખવો મુશ્કેલ છે, પણ હું આશાવાદમાં માનું છું. કોઈ નેતા ખરેખર મહેનત કરે તો તેની જનતાને જાણ હોય છે. કોઈ નેતા પરિવારના હિતોને સાચવવામાં લાગેલો હોય તો તે પણ જનતા સમજે છે.
લિંગભેદ વિશે ટ્રુડોએ કહ્યું કે, હું મહદંશે ફેમિનિસ્ટ છું. જો આબાદીનો પચાસ ટકા વર્ગ કામ ન કરે તો દેશનો વિકાસ ન થઈ શકે. કેબિનેટમાં મહિલાઓના સમાન પ્રતિનિધિત્વ અંગે મને ગર્વ છે. આ સાથે હું પર્યાવરણવાદી પણ છું અને માનું છું કે પર્યાવરણની સાચવણી બધાની જવાબદારી છે. પર્યાવરણ સાથે જોડાયેલા આદિવાસી લોકોનો પણ વિકાસ કરવો જોઈએ અને મોઈનોરિટી વર્ગનો પણ વિકાસ વિચારીએ તો સારો અને સમૃદ્ધ સમાજ બને. મારા દેશના દરવાજા પણ ઇમિગ્રન્ટ્સ માટે ખુલ્લા છે. તેમણે જણાવ્યું કે કેનેડામાં હાલમાં સવા લાખ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અમે આગળ પણ ભારતમાંથી વિદ્યાર્થીઓને આવી જ રીતે કેનેડામાં ભણવા માટે પ્રોત્સાહિત કરતા રહીશું. કેનેડામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતની આવતી વિદ્યાર્થીઓની સંખ્યા બીજા ક્રમાંકે છે. તેમાંય ગુજરાતથી મોટા પ્રમાણમાં આવે છે. કેનેડાના દરવાજા વિદ્યાર્થીઓ અને વ્યવસાયિક આદાનપ્રદાન માટે હંમેશા ખુલ્લા રહેશે. બીજા દેશોએ પણ આવી રીતે નિરાશ્રિતોને સહારો આપવો જોઈએ. જેથી તેઓ પણ સમાજ વિકાસમાં પોતાનો ભાગ ભજવી શકે.
આઇઆઇએમથી એરપોર્ટ જવા રવાના થયા અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તથા પ્રધાનમંડળના સભ્યો સાથે બેઠક યોજી હતી. અમદાવાદથી તેઓ સીધા મુંબઈ જવા રવાના થયા હતા. શુક્રવારે ટ્રુડો અને મોદીની વચ્ચે મુલાકાત યોજાશે. જેમાં સંરક્ષણ, અનુ સહકાર, વ્યાપાર તથા અવકાશ ક્ષેત્રે સહયોગ જેવા મુદ્દાઓ ચર્ચાય તેવી શક્યતા છે.