અમદાવાદઃ રક્ષાબંધન - 11 ઓગસ્ટથી શરૂ કરીને જન્માષ્ટમી - 19 ઓગસ્ટ સુધીના તહેવારો અને રજાના દિવસોમાં મિનિ વેકેશનનો માહોલ રહેતા ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગ ક્ષેત્રે તેજીનું મોજું ફરી વળ્યું હતું. ઓગસ્ટ મહિનામાં પ્રવાસીઓનું પ્રમાણ 600 ટકા વધ્યું હોવાનું ગુજરાત પ્રવાસન વિભાગે જાહેર કર્યું છે. ઓગસ્ટમાં પ્રવાસીઓ ધાર્મિક અને પર્યટન સ્થળોએ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
પ્રવાસન વિભાગ કહે છે, ઓગસ્ટ 2021માં 3.46 લાખ પ્રવાસીઓએ ગુજરાતમાં ધાર્મિક અને પર્યટન સ્થળોની મુલાકાત લીધી હતી. આ વર્ષે 20 લાખ પ્રવાસીઓ ફર્યા છે. દ્વારકા, અંબાજી, પાવાગઢ, શામળાજી અને ડાકોર જેવા ધાર્મિક સ્થળોએ ઓગસ્ટમાં 16.17 લાખથી વધુ મુલાકાતીઓ/પ્રવાસીઓ આવ્યા હતા જે પાછલા વર્ષે 2.72 લાખ હતા.
ઓગસ્ટના પ્રથમ ત્રણ સપ્તાહમાં દ્વારકામાં 7.24 લાખ મુલાકાતીઓ આવ્યા હતા જ્યારે અંબાજીમાં 4.23 લાખ મુલાકાતીઓ હતા. પાવાગઢ માટે 4 લાખ મુલાકાતીઓ હતા જ્યારે ડાકોર અને શામળાજી માટે અનુક્રમે 38,000 અને 31,000 મુલાકાતીઓ હતા.
ગયા વર્ષે માત્ર બે હોટસ્પોટ હતા - કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને દક્ષિણ ગુજરાતમાં સાપુતારા. અહીં પાછલા વર્ષ 73,000 મુલાકાતીઓ હતા તેની સામે ચાલુ વર્ષે ઓગસ્ટમાં ગુજરાતના સાત ફરવાના સ્થળોએ અને અન્ય રાજ્યોના પ્રવાસીઓની સાથે 3.66 લાખથી વધુ સ્થાનિક પ્રવાસીઓ ઉમટ્યા હતા.
આ વર્ષે રાજ્યમાં પ્રવાસીઓની પસંદમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાપુતારા ઉપરાંત સરહદ પર્યટન નડાબેટ, બાલાસિનોર ડાયનાસોર પાર્ક, દ્વારકા નજીક આવેલો શિવરાજપુર બીચ, અમદાવાદનું સાયન્સ સિટી અને કાંકરિયા લેકફ્રન્ટ મોખરે હતા.
સુરેન્દ્રનગરના વઢવાણ મેળામાં અને રાજકોટના સુપ્રસિદ્ધ લોકમેળામાં બીજા 20થી 25 લાખ મુલાકાતીઓ એકઠા થયા હતા. પ્રવાસન અધિકારીના અનુસાર કોવિડને કારણે ગયા વર્ષે ઓગસ્ટમાં મેળા રદ કરવામાં આવ્યા હતા, પરંતુ આ વર્ષે ભારે ધસારો જોવા મળ્યો હતો. આ વધારો ટકાવારીની દૃષ્ટિએ જોઇએ તો 1200 ટકા થવા જાય છે.
ગુજરાત પ્રવાસન વિભાગે ટૂરીઝમે છેલ્લા કેટલાક મહિનામાં વિશ્વભરના પ્રવાસીઓને સફળતાપૂર્વક આકર્ષ્યા છે. નડાબેટ ખાત સીમા દર્શન, શિવરાજપુર બીચ, વડનગર, દાંડી કુટીર મ્યુઝિયમ અને બાલાસિનોર ખાતેના ડાયનાસોર ફોસિલ પાર્ક જેવા નવા પ્રવાસન સ્થળોએ ઘણા પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.