અમદાવાદઃ જાણીતા ઇતિહાસકાર, સંશોધક પ્રો. ડો. મકરંદ મહેતાનું રવિવારે નિધન થયું છે. તેઓ 93 વર્ષના હતા. ઇતિહાસ સહિત વિવિધ સંલગ્ન વિષયોમાં આજીવન ગહન સંશોધન કાર્ય કરનાર મકરંદભાઈનો જન્મ નાગર બ્રાહ્મણ પરિવારમાં 25 મે, 1931ના રોજ થયો હતો. વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી અને અમેરિકાની પેન્સિવેલિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા બાદ ગુજરાત યુનિવર્સિટીના સ્કૂલ ઓફ સાયન્સીસમાં ઇતિહાસ વિભાગના વડા તરીકે તેઓએ વર્ષો સુધી ફરજ બજાવી હતી.
ગુજરાત વિદ્યાસભા, ગુજરાતી ઇતિહાસ પરિષદ અને દર્શક ઇતિહાસ નિધિ સહિત અનેક સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા હતા. તેમણે સામાજિક અને આર્થિક ઈતિહાસ પર પણ ઘણાં શોધપત્રો પ્રકાશિત કર્યા છે. તેમનાં પત્ની ડો. શિરીન મહેતા પણ ઈતિહાસકાર છે.
તેઓ અંગ્રેજી અને ગુજરાતીમાં 20થી વધુ પુસ્તકો લખી ચૂક્યા છે. વિશ્વનાં નામાંકિત સામયિકો અને જર્નલોમાં તેમના સામાજિક અને આર્થિક ઇતિહાસ ઉપર અનેક મૂલ્યવાન શોધપત્રો પ્રકાશિત થયાં હતાં. ‘ગુજરાતનો દરિયો’, ‘ગુજરાતનો રજવાડી વારસો’, ‘ગુજરાતના ઘડવૈયાઓ’, ‘ઇતિહાસ, સમાજ અને સાહિત્ય’, ‘સમાજ પરિવર્તન’ વગેરે વિષયો પર તેમણે પુસ્તકો લખ્યાં છે.