જીવન હોય કે સંબંધ, ટ્રુથ - ટ્રાન્સ્પરન્સી - ટ્રસ્ટથી અશક્ય કાર્યો પણ શક્ય બને છેઃ બ્રહ્મવિહારીદાસજી

Wednesday 20th November 2024 05:56 EST
 
 

અમદાવાદ: અમને હતું કે એક સામાન્ય ઇમારત, જેમાં શાંતિથી ભજનકિર્તન થઈ શકે એવું મંદિર બનાવીએ. જોકે અબુધાબીના રાજાએ કહ્યું, જો આ મંદિર હોય તો, મંદિર જેવું જ બનવું જોઈએ, પરંપરાગત શૈલીનું બનાવો... હું તમારી પાસે મિત્ર બનીને આવ્યો છું, તો તમને મિત્ર જ માનીશ. જો તમે નહીં માનો તો પણ હું તમને મિત્ર માનું છું એમાં શું નુકસાન છે? જે મિત્રની આંખે જુએ એના હૃદયમાં ભય ઓછો હોય છે અને જે શંકાની દૃષ્ટિ લઇને જાય છે, તે ભયભીત થઈને આવે છે. આમ અમે મિત્રો બની ગયાં તેની પાછળ સત્ય, પારદર્શિતા અને વિશ્વાસ જ જવાબદાર છે.” સંબંધો હોય કે જીવન ટ્રૂથ, ટ્રાન્સપરન્સી અને ટ્રસ્ટ - આ ત્રણ ટી (T)ની તાકાત અંગે બીએપીએસના વરિષ્ઠ સંત પૂ. બ્રહ્મવિહારીદાસજીએ પોતાના પ્રવચનમાં વાત કરી હતી.
ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત ભારતકૂલ ફેસ્ટિવલના અંતિમ દિવસના અંતિમ ચરણમાં બીએપીએસ સંસ્થાના સંતવર્ય અને આબુધાબી જેવા ઇસ્લામિક પ્રદેશમાં પ્રથમ હિન્દુ મંદિર બનાવવાનું શ્રેય જેમને જાય છે, તેવા પૂ. બ્રહ્મવિહારીદાસજી આશીર્વચન પાઠવવા માટે પધાર્યા હતા. આ પ્રસંગે તેમણે સત્ય, પારદર્શિતા અને વિશ્વાસનું મહત્વ સમજાવી આ ત્રણ બાબતોથી અશક્ય કાર્ય પણ શક્ય બની શકે છે, તે અંગે પ્રેરણાત્મક પ્રવચન આપ્યું હતું.
સ્વામીજીએ પ્રેમની શક્તિ વિશે વાત કરતાં કહ્યું, તમે કોઈને પ્રેમ કરો છો તો તે ખુલીને દર્શાવો. મારે તમને એક ઉદાહરણ આપવું છે કે મનમાં કોઈ પ્રત્યે સાચો પ્રેમ હોય તો એ શું કરી શકે છે, જ્યારે રાષ્ટ્રપતિ કલામસાહેબ પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે અમદાવાદ આવ્યા ત્યારે સ્વામીજીનો ઉતારો ઉપર હતો અને અમે લિફ્ટમાં ઉપર જઈ રહ્યા હતા. તે દરમિયાન મંદિરની પાછળના આંગણામાં 50-60 પત્રકારો એકઠાં થયા હતા. કલામ સાહેબે બધાંને નજીક બોલાવ્યા અને કહ્યું કે હું તમને બધાને આપણા દેશના વિકાસમાં ફ્રી પાર્ટનરશિપ ઓફર કરવા માગું છું. દરરોજ એક તસવીર કે એક લેખ એવો છાપો, જેનાથી સમગ્ર દેશ સ્મિત કરે.’
સત્ય, પારદર્શિતા અને વિશ્વાસના મહત્વ વિશે વાત કરતાં સ્વામીજીએ કહ્યું કે, આબુધાબીનું સમગ્ર મંદિર સત્ય, પારદર્શિતા અને વિશ્વાસના પાયા પર બનેલું છે. આ મંદિરે માત્ર ઇતિહાસ નથી બદલ્યો પણ આપણી વિચારશૈલીને બદલી નાંખી છે. આપણા દેશોના સંબંધો બદલી નાંખ્યા છે. વર્ષો પહેલાં હું દુબઈના રસ્તા પર ચાલતો જતો હતો, ત્યારે બહુ મોટા ચિંતક, ઇન્ડોલોજિસ્ટ અને રાઇટર વામદેવ શાસ્ત્રી ડેવિડ ફ્રોવલી પોતાની ગાડી ઉભી રાખી અને મને પંચાંગ નમસ્કાર કર્યા અને કહ્યું, ‘અત્યાર સુધીમાં બીએપીએસએ 1200 મંદિરો બંધાવ્યા છે. એ બધાં પ્રેરણાત્મક છે, અક્ષરધામો પછીએ પેઢીગત પ્રેરણાસ્ત્રોત બની ગયાં પરંતુ આ અબુધાબીનું મંદિર સિવિલાઇઝેશનલ – સમગ્ર સભ્યતાની વિચારશૈલી બદલનારું બનશે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter