સુરત: શહેરની શાનસમાન ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવા સુરત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એરપોર્ટના વિસ્તરણ કરાયેલા નવા ટર્મિનલનું પણ લોકાર્પણ કર્યું હતું. સુરતને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો અપાઇ ગયો છે અને દુબઈ તથા હોંગકોંગની ફ્લાઈટ પણ શરૂ કરવાની જાહેરાત થઇ ગઇ છે. રૂ. 354 કરોડના ખર્ચે આ નવુ ટર્મિનલ બિલ્ડિંગ તૈયાર થયું છે, જેના એલિવેશનની થીમ જૂના સુરત શહેરની શેરીઓમાં મકાનોની જે બાંધકામની શૈલી હતી તેને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઇ છે.
ઇન્ટિરિયરમાં પતંગ મહોત્સવ અને કાપડ ઉદ્યોગની થીમ
ટર્મિનલ બિલ્ડીંગના ઇન્ટીરિયરમાં ગુજરાતની કલા અને સંસ્કૃતિની ઝલક છે. ગુજરાતના પતંગ મહોત્સવ અને કાપડની કારીગરીને દર્શાવતી સ્થાનિક કલાથી શણગારાઇ છે. વિસ્તરણ બાદ હવે ટર્મિનલ બિલ્ડિંગ સાથે પાંચ પાર્કિંગ બે હશે પરંતુ ડિઝાઇન એ રીતે કરાઈ છે કે, જરૂર પડયે 18 પાર્કિંગ બે તરીકે પણ ઉપયોગ કરી શકાશે.
બિલ્ડિંગને પર્યાવરણનું ફોર સ્ટાર રેટિંગ
સુરત એરપોર્ટના નવા ટર્મિનલની ખાસ વાત એ છે કે ગ્રીન બિલ્ડિંગ તરીકે તેની ડિઝાઈન તૈયારી કરાઇ છે. ગ્રીન રેટિંગ ફોર ઇન્ટીગ્રેટેડ હેબિટેટ એસેસમેન્ટ (GRHA) પ્રમાણે ફોર સ્ટાર રેટિંગ છે. આ પ્રમાણે તૈયાર થયેલા આ નવા ટર્મિનલ બિલ્ડિંગ પર્યાવરણને માટે પણ અનુકૂળ હશે.