અમદાવાદઃ છેલ્લા કેટલાક વર્ષોથી જાપાની નાગરિકોમાં જૈનધર્મ પ્રત્યેની આસ્થા વધતી જાય છે. આથી દર વર્ષે ભારતમાં આવી હસ્તિનાપુર, પાલિતાણા અને શંખેશ્વર વગેરે જૈનતીર્થોની મુલાકાત લે છે. એક અભ્યાસ પ્રમાણે છેલ્લા ૫ વર્ષમાં ૧૨૦૦થી વધુ જાપાનીઓ શાકાહારી બન્યા છે.
હમણાં ૮ વર્ષના બાળકોથી માંડીને ૩૦ વર્ષના યુવાનોએ જાપાનથી પાલિતાણા આવીને વરસી તપના પારણા અને દીક્ષા મહોત્સવમાં ભાગ લીધો હતો. એટલું જ નહીં જૈન ધર્મની ફિલોસોફીમાં શ્રદ્ધા વધવાથી નવકારમંત્રોના ઉચ્ચારો સાથે જૈનધર્મના નિયમો પાળવાનું વ્રત પણ લીધું હતું. જેમાં કાયમને માટે માંસાહાર છોડીને શાકાહાર અપનાવવાના અહિંસા વ્રતનો સમાવેશ થતો હતો. આ અંગે ભારતીય મૂળના જાપાની નાગરિક તુલશીએ જણાવ્યું કે ભારતમાં જૈન તીર્થોની યાત્રા કરવાથી પરમશાંતિનો અનુભવ થઇ રહયો છે. અન્ય જાપાની મહિલાના જણાવ્યા મુજબ મારા પરિવારમાં બધા જ લોકો માંસાહાર કરતા હતા. જયારે હું જાપાનમાં જૈન ધર્મ પાળતા લોકોના સંપર્કમાં આવી તે પછી માંસાહાર છોડી દીધો છે. વિજ્ઞાન અને અધ્યાત્મનો સમન્વય ધરાવતા જૈનધર્મને જાણવા અને સમજવા જાપાનમાં ખૂબ જ રસ વધતો જાય છે.
આ અંગે એક જૈન ધર્મ અનુયાયી કહે છે જયંતસેનસૂરિજી મહારાજના સાંનિધ્યમાં અનેક જાપાનીઓ ગુજરાતમાં આવતા થયા હતા. આથી જ જાપાનમાં અનેક ગુરુભકતોએ જયંતસેનસૂરિજીની વાર્ષિક પૂણ્યતિથિએ સામૂહિક જાપ પણ કરે છે. શ્રદ્ધાળુઓનું ગ્રુપ જાપાનથી ભારત આવીને જૈનધર્મ પ્રત્યેની ઉંડી શ્રદ્ધા સાથે માર્ગદર્શન મેળવે છે. જાપાની ભાષાના ઉચ્ચારો જુદા પડતા હોવા છતાં તેઓ ઝડપથી નવકારમંત્ર શીખી લે છે.