અમદાવાદઃ ટાટા મોટર્સ ચાલુ વર્ષે એપ્રિલ દરમિયાન ફોર્ડ ઈન્ડિયા પાસેથી હસ્તગત કરાયેલા સાણંદ પ્લાન્ટમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સનું ઉત્પાદન શરૂ કરવાની યોજના ધરાવે છે. ટાટા મોટર્સના એકમ ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડે ગત વર્ષે જાન્યુઆરી દરમિયાન ફોર્ડ ઇન્ડિયા પાસેથી રૂ. 725.7 કરોડમાં પ્લાન્ટ હસ્તગત કર્યો હતો. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સના એમડી શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતું કે અમે આગામી એપ્રિલ મહિનાથી નેક્સન ઈવી સાથે સાણંદ પ્લાન્ટ ખાતે ઇલેક્ટ્રિક વ્હીકલનું ઉત્પાદન શરૂ કરવાની યોજના છે. કંપનીએ પહેલાથી જ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ખાતે વાર્ષિક 3 લાખની ક્ષમતા સાથે નેક્સનના ઇન્ટરનલ કોમ્બસ્ટન એન્જિનથી સંચાલિત વર્ઝનનું ઉત્પાદન શરૂ કર્યું છે. આ ક્ષમતાને ભવિષ્યમાં વધારીને વાર્ષિક 4.2 લાખ યુનિટ્સ કરવાની યોજના છે.
કંપની આગામી સમયમાં પ્લાન્ટ ખાતે બીજા મોડલ્સના ઉત્પાદનની પણ યોજના ધરાવે છે. કંપની ચાલુ કેલેન્ડર વર્ષના બીજા અથવા ત્રીજા ક્વાર્ટર દરમિયાન કર્વ ઇવી લોન્ચ કરી શકે છે. તદુપરાંત વર્ષના અંત સુધીમાં હેરિયર ઇવી અને કર્વના ઇન્ટરનલ કોમ્બસ્ટન એન્જિનિ વર્ઝનને પણ માર્કેટમાં રજૂ કરી શકે છે.