ગોધરાઃ કેનેડા અભ્યાસ માટે ગયેલા ગોધરાના ગોહિલ પરિવારના ભાઈ-બહેનનું એક કાર અકસ્માતમાં નિધન થતાં પરિવારમાં ઘેરા શોક છવાયો છે. બંને ભાઈ-બહેન અન્ય ત્રણ સાથી મિત્રો સાથે ટેસ્લા કારમાં જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત બાદ કારમાં અચાનક આગ ફાટી નીકળતાં ચાર આગમાં ભડથુ થઈ ગયા હતાં, જ્યારે એક યુવતીનો આબાદ બચાવ થયો હતો.
ગોધરાના પ્રભા રોડ સ્થિત મંગલમૂર્તિ સોસાયટીમાં રહેતાં અને પીડીસી બેન્કના નિવૃત્ત કર્મચારી સંજયસિંહ ગોહીલની 29 વર્ષીય મોટી પુત્રી કેતાબા ગોહિલ છ વર્ષ અગાઉ કેનેડા ખાતે અભ્યાસ માટે ગયા હતાં. અભ્યાસ પૂર્ણ થતાં હાલ તેઓ ત્યાં સ્થાયી થયા હતા અને લેબ ટેક્નિશિયન તરીકે જોબ કરતાં હતા. જયારે 25 વષીય પુત્ર નીલરાજસિંહ 10 માસ અગાઉ મોટર ડિઝાઈનિંગના અભ્યાસ માટે કેનેડા ગયો હતો અને સાથે જોબ પણ કરતો હતો. બન્ને ભાઈ-બહેન કેનેડાના બ્રોમ્પ્ટન સિટીમાં રહેતા હતાં. તેઓની સાથે બોરસદના જય સિસોદિયા, દિગ્વિજય, ઝલક પટેલ પણ રહેતાં હતા.
ગોધરાના વતની
ગયા બુધવારે રાત્રે કેતાબા અને નીલરાજસિંહ તેમના અન્ય ત્રણ રૂમમેટ સાથે હોટેલમાં જમવા ગયા હતાં, જ્યાંથી તેમની ટેસ્લા કારમાં પરત ઘરે ફરી રહ્યા હતાં ત્યારે ટોરન્ટો શહેરના લેકશોર પાસે ચેરી સ્ટ્રીટ રોડ પર તેમની કાર રોડની સાઈડમાં આવેલા પોલ સાથે ધડાકાભેર અથડાયા બાદ તેમાં આગ લાગી ગઈ હતી. આ પછી કારમાં થયેલા બ્લાસ્ટમાં તેમાં સવાર પાંચ વ્યક્તિ પૈકીના કેતાબા, નીલરાજસિંહ, જય સિસોદીયા અને દિગ્વિજય ગંભીર રીતે દાઝી જતાં ચારેયના મોત નિપજ્યા હતા. જ્યારે ઝલક પટેલને ત્યાંથી પસાર થતાં લોકોએ સમયસુચકતા વાપરીને કારમાંથી બહાર કાઢી લેતાં તેનો આબાદ બચાવ થયો હતો.
કાર અકસ્માતમાં ભાઈ-બહેનનાં અકાળે મોત નીપજતાં તેમના પરિવારના માથે જાણે આભ તૂટી પડયા જેવી સ્થિતિ સર્જાઈ છે. મૃતકમાં બોરસદ પંથકના ભાદરણ કોલેજના અધ્યાપક પ્રો. હરેન્દ્રસિંહ સિસોદિયાના પુત્ર અને બોરસદ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારના ભાણેજ જયરાજસિંહ સિસોદિયાનો પણ સમાવેશ થાય છે. મૃતક જયરાજસિંહ સિસોદિયા બોરસદ પંથક કે આસપાસના કે પરિચિત કોઈપણ યુવાનો કેનેડા ખાતે અભ્યાસ અર્થે જતા ત્યારે હંમેશા સૌના માટે જરૂરી તમામ સહાય અને માર્ગદર્શન માટે તત્પર રહેતા હતા.
નીલરાજ વતન આવવાનો આવવાનો હતો
ગોહિલ પરિવારના નીલરાજસિંહ હજુ નવ માસ પહેલાં જ કેનેડા ગયો હતો. નીલરાજસિંહ 14 નવેમ્બરે ભારત પરત આવવાનો હોવાથી તેણે પ્લેનની ટિકિટ પણ બુક કરાવી હતી.