ટ્રમ્પ નીતિથી ગુજરાતીઓ વતન આવતાં ડરે છે

Wednesday 05th April 2017 07:49 EDT
 
 

અમદાવાદ: અમેરિકાના પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે હવાલો સંભાળતાની સાથે જ ચૂંટણીમાં આપેલા વાયદા પ્રમાણે ઇમિગ્રેશનના નિયમો કડક બનાવી દીધા છે. આ કડક ઇમિગ્રેશન કાયદાથી અમેરિકા વસતા ગુજરાતીઓ ભય અને અસમંજસમાં છે. જેના લીધે અમેરિકાથી રાજ્યમાં આવતા ગુજરાતીઓના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે એરલાઈન્સ કંપનીઓએ ભાડામાં પણ ઘટાડો કર્યો હોવા છતાં એનઆરજીઓની વતન આવવાની સંખ્યામાં ઘટાડો જ નોંધાયો છે.
દરેક પ્રવાસીની અમેરિકાના એર પોર્ટ પર પણ સઘન તપાસ થાય છે પછી તેમને યુએસમાં આવવા કે છોડવા ક્લિયરન્સ અપાય છે. જો યુએસ એર પોર્ટ પર કોઈ શંકાસ્પદ લાગે તો તેને પાછા ભારત મોકલી અપાય છે. ગુજરાતીઓ જણાવે છે કે, આ કડક નિયમોના લીધે હાલાકી ભોગવવી એના કરતાં નિયમો થોડા હળવા થાય પછી વતન આવવું સારું. બીજી તરફ એક વખત અમેરિકાથી અમે ભારત આવી જઇએ, પણ પાછા યુએસ જતી વખતે અમેરિકાના એર પોર્ટ પર ઇમિગ્રેશનમાં ક્લિયરન્સ ન મળે તેનો ડર સતાવે છે.
૨૦થી ૩૦ ટકા ઘટાડો
અમેરિકાની કડક ઇમિગ્રેશન નીતિના કારણે યુએસથી ભારત આવતી ફલાઇટ્સમાં પેસેન્જર લોડ ફેક્ટર ૨૦થી ૩૦ ટકા ઘટી ગયો છે અને અમદાવાદથી યુએસના મુસાફરોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. પ્રવાસીઓની સંખ્યા ઘટતાં એરલાઇન્સ કંપનીઓએ ભાડા ઘટાડવાની ફરજ પડી છે.
બીજી તરફ, ગલ્ફથી યુએસની સફર દરમિયાન પ્રવાસીઓને હેન્ડ લગેજમાં મોબાઇલ-લેપટોપ, આઇપેડ સહિતની ઇલેકટ્રોનિક્સ ચીજવસ્તુઓ પર પ્રતિબંધ છે. આવી ચીજો મુખ્ય લગેજમાં મૂકવાનું ફરમાન છે. ગલ્ફ કન્ટ્રીઝ માટે યુએસ દ્વારા સુરક્ષાના કારણે જાહેર કરાયેલી આ નીતિનો સીધો લાભ એર ઇન્ડિયા સહિતની અન્ય એર લાઇન્સ કંપનીઓને થયો છે. હાલમાં એર ઇન્ડિયાએ પેસેન્જર ટ્રાફિક ઘટયો હોવા છતાં અમેરિકાના વિવિધ શહેરોમાં પહેલાં કરતા ૧૦થી ૨૦ ટકા સુધી ભાડા વધારી દીધા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter