વોશિંગ્ટન: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ ફરી પ્રમુખપદે ચૂંટાયા છે અને ચાર વર્ષના ગાળા બાદ ફરી વ્હાઇટ હાઉસમાં પ્રવેશ કરવા માટે સજ્જ છે. ટ્રમ્પ અને તેમની ટીમ આવનારા દિવસોમાં નવા પ્રધાનમંડળ અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓની પસંદગીની પ્રક્રિયા શરૂ કરે તેવા અહેવાલ છે. તેમાં મૂળ મધ્ય ગુજરાતના ભાદરણના વતની અને છેલ્લા કેટલાક દસકાઓથી અમેરિકામાં સ્થાયી થયેલા 44 વર્ષીય કશ્યપ ‘કાશ’ પટેલનું નામ ખાસ્સું ચર્ચામાં છે.
કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ ટ્રમ્પ કશ્યપ પટેલને સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA) અથવા તો ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના વડાની જવાબદારી સોંપી શકે છે. આ પદ માટે કશ્યપ પટેલને ટોચના દાવેદાર ગણાવાઈ રહ્યા છે. ટ્રમ્પના ઘણા સહયોગીઓએ CIA ચીફ તરીકે નિમણૂક માટે કશ્યપ પટેલનું નામ આગળ કર્યું છે.
ટ્રમ્પના ખાસ વિશ્વાસુ
અમેરિકામાં કશ્યપ પટેલ ટ્રમ્પ માટે કંઈ પણ કરી શકે તેવી વ્યક્તિ તરીકે જાણીતા છે. તેઓ 2019માં 39 વર્ષની ઉંમરે તત્કાલીન ટ્રમ્પ સરકારમાં જોડાયા હતા અને ઝડપથી એક પછી એક ઉચ્ચ હોદ્દા સંભાળ્યા હતા. ટ્રમ્પે તેમના કાર્યકાળના અંતિમ દિવસોમાં કશ્યપને સીઆઇએના ડેપ્યુટી ડાયરેક્ટર બનાવવાનું વિચાર્યું હતું પરંતુ તેમણે વિરોધનો સામનો કરવો પડયો હતો. ગત વર્ષે રિપબ્લિકન પાર્ટીના એક સમારોહમાં ટ્રમ્પે કશ્યપને 'તૈયાર રહેવા' મેસેજ આપ્યો હતો.
કશ્યપ પટેલ કોણ છે?
1980માં ન્યૂ યોર્કના ગાર્ડન સિટીમાં ગુજરાતી માતા-પિતાના ઘરે જન્મેલા કશ્યપ પટેલ ટ્રમ્પના વફાદાર અને વિશ્વાસુ છે. તેમના માતા-પિતા પૂર્વ આફ્રિકાથી વાયા કેનેડા અમેરિકા આવીને સ્થાયી થયા હતા. કશ્યપના પિતા એક એવિયેશન કંપનીમાં નાણાકીય અધિકારી તરીકે કામ કરતા હતા. કશ્યપ રિચમંડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન બાદ ન્યૂ યોર્કમાં લોની ડિગ્રી મેળવી હતી. તેમણે ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં નેશનલ સિક્યુરિટી કાઉન્સિલમાં ટ્રમ્પના આતંકવાદવિરોધી સલાહકાર અને કાર્યવાહક સંરક્ષણ પ્રધાન તરીકે કામ કર્યુ. તેમણે ટ્રમ્પની ઘણી પ્રાથમિકતાઓને અંજામ આપ્યો હતા.