અમદાવાદ - લંડન વાયા મુંબઇ ડાયરેક્ટ ફ્લાઇટ આજે તા. ૧૫મી ડીસેમ્બર ૨૦૧૫ના રોજ બપોરે ૧૨-૨૧ મિનીટે લેન્ડ થયા બાદ લંડનની ધરતી પર ઉતરેલા મુસાફરોના આનંદની સીમા નહોતી. સૌના ચહેરા પર લાંબી મુસાફરી બાદ પણ આનંદ છલકતો હતો. અમદાવાદ – લંડન ડાયરેક્ટ ફ્લાઇટ માટે અથાક પરિશ્રમ કરનાર 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા અમદાવાદથી લંડન આવેલા કેટલાક મુસાફરોની હીથરો ટર્મીનલ ફોર પર એરાઇવલ લોંજમાં મુલાકાત કરવામાં આવી હતી. જેનાં અંશો અત્રે પ્રસ્તુત છે.
અમદાવાદના વતની અને લંડનમાં રહેતા સચીન ચોક્સીએ જણાવ્યું હતું કે "આજનો મારો અનુભવ ખૂબજ સારો રહ્યો હતો. અમે અમદાવાદથી ઉડાન ભર્યા બાદ વિમાન સમયસર મુંબઇ પહોંચી ગયું હતું અને લગભગ સવા કલાક જેટલો સમય અમે મુંબઇ પ્લેનમાં જ વિતાવ્યો હતો અને તે સમય દરમિયાન સાફસફાઇ અને નવા મુસાફરોનું આગમન થયું હતું. આ વિમાન ડ્રિમલાઇનર હતું અને તેમાં ખૂબજ સરસ સગવડ હતી. અમદાવાદ લંડન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરીને એર ઇન્ડિયાએ ખૂબજ મહત્વનું અને સરસ કાર્ય કર્યું છે અને આ ફ્લાઇટ શરૂ થવાથી લોકોને ખૂબજ ફાયદો થશે. 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ તેમજ સીબી પટેલે લાંબા સમય સુધી કરેલી મહેનત રંગ લાવી છે.”
અમદાવાદ લંડન ડાયરેક્ટ ફ્લાઇટનો સૌ પ્રથમ બોર્ડીંગ પાસ મેળવનાર મૂળ આણંદના યુવાન દંપત્તી વિશ્વા પંજાબી અને તેમના પત્ની જસવિન વિગે પોતાના અનુભવને વર્ણવતા જણાવ્યું હતું કે "મને ખબર છે કે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ તેના તંત્રી સીબી પટેલ અને તમે સૌએ અમદાવાદ લંડન વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઇટ માટે ખૂબ જ મહેનત કરી હતી. પહેલા એરક્રાફ્ટ ચેન્જ કરવાનું હતું અને મુંબઇ કે દિલ્હીમાં સિક્યુરીટી ચેક અને ઘણી વખત ઇમીગ્રેશન ચેકના કારણે મુસાફરોનો ખૂબજ સમય જતો હતો અને પારાવાર તકલીફ ભોગવવી પડતી હતી. હું આ ડાયરેક્ટ ફ્લાઇટ માટે નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યક્ત કરૂ છું. આ ફ્લાઇટમાં બેસનાર અમે પ્રથમ પેસેન્જર હતા અને ગુજરાતના નાગરીક ઉડ્ડ્યન પ્રધાન સૌરભભાઇ પટેલે અમને બોર્ડીંગ પાસ આપ્યા હતા. અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આ પ્રસંગની ઉજવણી કરવા ખાસ સમારોહનું પણ અયોજન કરાયું હતું અને કેક કાપીને ઉજવણી કરાઇ હતી.”
મૂળ દિલ્હીનાં વતની અને અમદાવાદથી લગ્ન પ્રસંગમાં ભાગ લઇને લંડન આવેલા મલ્લીકા નટરાજન અને તેમના ફિયોન્સે રાજ લાખાણીએ જણાવ્યું હતું કે "આ અગાઉ પણ હું અમદાવાદ જઇ ચૂકી છું અને વાયા ફ્લાઇટમાં જવાના કારણે ખૂબજ તકલીફ પડતી હતી. વિમાન બદલો, પછી સિક્યુરીટી ચેક કરાવો વગેરે તકલીફોના કારણે સમયનો ખૂબજ વ્યય થતો હતો. અમદાવાદ ખાતે આ શુભારંભ સમારોહ પ્રસંગે સૌ યાત્રીઅોને નાસ્તા પાણી પણ કરાવાયા હતા અને કાર્યક્રમ ખૂબજ સરસ રહ્યો હતો. સાચુ કહું તો આ ફ્લાઇટમાં અમને ખૂબ જ આરામ મળ્યો હતો. વળી એર ઇન્ડિયાની સરભરા પણ નંબર વન રહી હતી અને ક્રુ મેમ્બર્સે અમારૂ ખૂબ જ ધ્યાન રાખ્યું હતું. નરેન્દ્રભાઇ મોદીને આ માટે અભિનંદન”
સાઉથ લંડનના ક્રોયડન ખાતે વસતા મૂળ વડોદરાના અરવિંદભાઇ એમ. પટેલ અને તેમના પત્ની નયનાબેન પટેલે જણાવ્યું હતું કે "અમદાવાદથી લંડનની આ ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થવાથી બધા મુસાફરો માટે યાત્રા ખૂજ આસાન થઇ જશે. અમને અમદાવાદથી લંડન આવવામાં જરા પણ તકલીફ પડી નથી. સાચુ કહું તો અમને યાત્રામાં ખૂબજ મઝા આવી હતી. અમે અમદાવાદથી ઇમીગ્રેશન અને સિક્યુરીટી ચેક કરાવ્યું હતું અને તે પછી અમારે લંડન ઉતર્યા ત્યાં સુધી કોઇ જ ચિંતા કરવાની રહી નહોતી. હું 'ગુજરાત સમાચાર' નિયમીત વાંચુ છું અને મેં પણ ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવા માટે તમારી પીટીશનમાં સહી કરી હતી. 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ તેમજ સીબી પટેલનો આ ફ્લાઇટ શરૂ કરાવવા બદલ ખૂબખૂબ આભાર માનુ છું."
સાઉથોલમાં રહેતા અને મૂળ બાંસવાડા, રાજસ્થાનના અંકુશ જૈન અને તેના પત્ની દીશા જૈન (અમદાવાદ)એ જણાવ્યું હતું કે "અમદાવાદથી લંડનની વાયા મુંબઇ ફ્લાઇટ શરૂ કરાવીને નરેન્દ્રભાઇ મોદીએ લાખ્ખો ગુજરાતીઅોને પડતી તકલીફોનો અંત આણ્યો છે. અમારી ફ્લાઇટ માત્ર દોેઢ કલાક મુંબઇ ઉભી રહી હતી અને તે સમય દરમિયાન મુંબઇથી પેસેન્જર બેઠા - કે ઉતર્યા હતા અને પેટ્રોલ વગેરે ભરાયા બાદ ફ્લાઇટ લંડન આવવા નીકળી ગઇ હતી. લંડનથી ગુજરાત જનારા તમામ લોકો માટે આ સરસ સુવિધા છે અને અમદાવાદથી રાજ્યના અન્ય વિસ્તારો માટે પણ સારી કનેક્ટિવીટી મળી રહેશે.” અંકુશભાઇએ જણાવ્યું હતું કે "આ રૂટ પર ડ્રીમલાઇનર વિમાન મૂકવામાં આવ્યું છે તેમાં ખૂબજ સરસ સગવડો છે અને ખાસ કરીને લેગરૂમ સારો એવો મળે છે જેથી લાંબી મુસાફરીમાં મારા જેવા લાંબુ કદ ધરાવતા લોકોને વધુ આરામ મળે છે.”
દીશાબેન જણાવ્યું હતું કે અમદાવાદ લંડન વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઇટના કારણે વૃધ્ધો, મહિલાઅો અને બાળકોને કોઇ તકલીફ પડશે નહિં. તેમને સૌને આરામ પણ મળશે. હું ૨૦૦૮માં ડાયરેક્ટ ફ્લાઇટમાં અમદાવાદ ગઇ હતી અને તે પછી પણ મેં યાત્રા કરી છે તેથી મને ખબર છે કે વાયા ફ્લાઇટમાં કેટલી બધી તકલીફો પડે છે. 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ અને સીબી પટેલ તેમજ આપણા સૌની જહેમતને કારણે જ આ શક્ય થયું છે. ગુજરાતમાં ટુરીઝમ વધારવું હશે તો બ્રિટીશર્સ તેમજ અન્ય વિદેશી મુસાફરો માટે પણ ડાયરેક્ટ ફ્લાઇટ સુગમ રહેશે. આવા લોકોને ગુજરાત, કચ્છ અને રાજસ્થાનની હોલીડેઝ કરવી હશે તો તેમને આ ડાયરેક્ટ ફ્લાઇટના કારણે આસાની પણ રહેશે.”
મૂળ આણંદ જીલ્લાના મહેળાવના વતની અને સેન્ટ અોલબન્સ ખાતે રહેતી પત્ની, દિકરી અને ભાણેજના પરિવારને મળવા આવેલા ૭૦ વર્ષના પ્રભુભાઇ દવેએ જણાવ્યું હતું કે "મારા જેવા ઉંમર લાયક મુસાફરોને આ સીધી ફ્લાઇટથી ખૂબજ આરામ રહેશે. આજે મને ઇમિગ્રેશન કાઉન્ટર સુધી તો સ્ટાફ મૂકવા આવ્યા હતા પણ અહિં સામાન સાથે આવતા સુધીમાં તો હું થાકી ગયો. હવે જેમને વાયા મુંબઇ, દિલ્હી કે દુબાઇ થઇને જવાનું હોય તેની હાલત કેવી થાય? હું તો નરેન્દ્રભાઇ મોદીને ખૂબ જ અભિનંદન આપું છું જેમણે મારા જેવા વૃધ્ધ લોકો માટે કોઇ તકલીફ ન પડે તેવી ડાયરેક્ટ ફ્લાઇટની વ્યવસ્થા કરી આપી છે.”