ટોરોન્ટો: યુએસ-કેનેડા બોર્ડર ક્રોસ કરતા કાતિલ ઠંડીને કારણે ઠૂંઠવાઈને મૃત્યુ પામેલા પટેલ પરિવારનાં કેસમાં માનવ તસ્કરી કરતા બે દોષિતો સામે સોમવારથી ટ્રાયલ શરૂ થઇ છે. ઉત્તર ગુજરાતનો પટેલ પરિવાર અમેરિકાથી કેનેડાની બોર્ડર ક્રોસ કરવાનાં પ્રયાસમાં માઈનસ 38 ડિગ્રી ઠંડીમાં ઠૂંઠવાઈને મૃત્યુ પામ્યો હતો. જાન્યુઆરી 2022માં બનેલા આ ઘટનામાં આ ગુજરાતી પરિવાર થીજી ગયો હતો. જગદીશ પટેલ, તેમનાં પત્ની વૈશાલીબેન તેમજ તેમનાં બે સંતાનો 11 વર્ષની વિહાંગી અને 3 વર્ષનો પુત્ર ધાર્મિકનાં ઠંડીમાં ઠૂંઠવાઈને મોત થયા હતા. માઈનસ 38 ડિગ્રી ઠંડીમાં તેઓ અમેરિકાની બોર્ડર પરથી ચાલીને કેનેડામાં પ્રવેશવા પ્રયાસો કરી રહ્યા હતા ત્યારે અપૂરતા ગરમ વસ્ત્રોને કારણે કાતિલ ઠંડીનો ભોગ બન્યા હતા. ખતરનાક રીતે બોર્ડર ક્રોસ કરવાની ઘટનાઓમાં અનેક જોખમો છતાં તેમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.
બે દલાલો કાયદાના કઠેડામાં
માનવ તસ્કરીનું કામ કરતા બે વચેટિયા દલાલો હર્ષકુમાર પટેલ ઉર્ફે ડર્ટી હેરી અને સ્ટિવ સેન્ડ સામે સોમવારથી કોર્ટમાં કેસ ચાલુ કરાશે. ડર્ટી હેરી અમેરિકાથી કેનેડામાં લોકોને ગેરકાયદે ઘૂસણખોરી કરાવવામાં એટલે કે માનવ તસ્કરી કરવાનો મુખ્ય સૂત્રધાર છે જ્યારે સ્ટિવ સેન્ડ ડ્રાઈવર હતો, જેને હર્ષ પટેલ દ્વારા મદદ માટે નોકરીમાં રાખવામાં આવ્યો હતો. આ બંને લોકો કેનેડામાં ગેરકાયદે ઘૂસવા માંગતા લોકોને કેટલાક નક્કી કરેલા પોઈન્ટ પરથી ઘૂસણખોરી કરાવતા હતા. અમેરિકામાં બંનેએ પોતાની જાતને નિર્દોષ ગણાવ્યા હતા. જોકે કેનેડામાં તેમની સામે કેસ ચલાવવાનું કોર્ટે નક્કી કર્યું હતું.
ભારતીયોમાં હજી ગેરકાયદે ઘૂસણખોરીનો ક્રેઝ
વકીલો દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોમાં આરોપ લગાવાયો છે કે પાંચ અઠવાડિયા સુધી બંનેએ સાથે મળીને ભારતીયોનાં પાંચ ગ્રૂપને બોર્ડર ક્રોસ કરાવવાનું કામ કર્યું હતું. કાતિલ ઠંડીમાં લોકોના જાનની પરવા કર્યા વિના કે લોકોને સાવધ કર્યા વિના તેઓ આ કામ કરતા હતા. તેઓ ભારત અને ગુજરાતમાંથી અમેરિકા અને કેનેડામાં આવીને વસવાટ કરવાનાં સપના જોતા લોકો પાસેથી વ્યક્તિ દીઠ 90,000 અમેરિકન ડોલરની ફી વસૂલતા હતા. ગુજરાતી પરિવારનાં 4 લોકો યુએસ-કેનેડાની બોર્ડર પર ઠૂંઠવાઈ જવા છતાં હજી કેનેડા અને અમેરિકામાં ગેરકાયદે ઘૂસીને વસવાટ કરવાનો ક્રેઝ ચાલુ રહ્યો છે.