એટલાન્ટાઃ વેટરન્સ એફેર્સ (VA) ફેસિલિટી ખાતે તબીબી પરીક્ષણ દરમિયાન પીઢ મહિલા પર જાતિય હુમલો કરવાના આરોપમાં 69 વર્ષીય ફીઝિશિયન રાજેશ મોતીભાઈ પટેલને બે વર્ષની ફેડરલ પ્રિઝનની સજા ફરમાવાઈ છે. નોર્ધર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ જ્યોર્જીઆની યુએસ એટર્નીઝ ઓફિસે 21 ફેબ્રુઆરીએ જાહેર કર્યું હતું કે કલર ઓફ લો અન્વયે કામ કરવા દરમિયાન, શારીરિક પવિત્રતાના પેશન્ટના બંધારણીય અધિકારનો ભંગ કરવા તેમજ આક્રમક સેક્સ્યુઅલ સંપર્કના આરોપસર પટેલને સજા કરવામાં આવી હતી. જેલની સજા ઉપરાંત, ડો. પટેલને 15 વર્ષની દેખરેખ હેઠળ મુક્તિની સજા પણ કરાઈ હતી. આ સમયગાળા દરમિયાન તેઓ સામે મેડિસીનની પ્રેક્ટિસ પર પ્રતિબંધ ફરમાવાયો છે.
કાર્યકારી યુએસ એટર્ની રિચાર્ડ એસ. મૌલ્ટ્રી, જુનિયરે જણાવ્યું હતું કે,‘આપણા દેશની ગૌરવપૂર્ણ સેવા કરનારાં મહિલા વેટરન પેશન્ટ પર જાતિય હુમલો કરીને ડો. પટેલે VA ફીઝિશિયનના વિશ્વાસને પાત્ર તેમના હોદ્દાનો ઉપયોગ કર્યો હતો. તેમના અપરાધો આ ભરોસાના જઘન્ય ઉલ્લંઘન અને તેમની સત્તાના દુરુપયોગ થકી છે. આ સજા ડો. પટેલને પાસેથી સારસંભાળ મેળવતા વેટરન પેશન્ટ્સને ભવિષ્યમાં નુકસાન કરતા અટકાવશે.’
પ્રોસિક્યુટર્સના જણાવ્યા મુજબ જાન્યુઆરી 2020માં રુટિન મેડિકલ એક્ઝામિનેશન થવું જોઈએ તેના દરમિયાન આ હુમલો કરાયો હતો. ડો. પટેલને મહિલા પેશન્ટની સંમતિ અને કોઈ યોગ્ય તબીબી કારણ વિના જ તેનાં સ્તન અને યોનિપ્રદેશોને ગેરકાયદે સ્પર્શ કર્યો હતો. જ્યૂરીએ 2024ની 5 નવેમ્બરે પટેલને દોષિત જાહેર કર્યા હતા.