અમદાવાદઃ ડ્રગ્સની હેરાફેરીના આંતરરાષ્ટ્રીય નેટવર્કને ભેદવું લગભગ અશક્ય હોવાનું કહેવાય છે. આવા કારસ્તાન અંગે ભૂતકાળમાં તપાસ કરી ચૂકેલા સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે, આખુ નેટવર્ક પાંચથી સાત જેટલા સ્તરમાં વહેંચાયેલું હોય છે. પરિણામે અહીં ઝડપાયેલા શખ્સોને અગાઉ શું થયું છે? તેનો કોઈ જ ખ્યાલ હોતો નથી.
કોઈ પણ બંદરેથી ડ્રગ્સ ભરેલી બોટ નીકળે એટલે ત્યાં ડ્રગ્સ ચઢાવનાર શખસો જુદા હોય છે. બાદમાં બોટ સાથે આ જથ્થો મધદરિયે બીજા કોઈ શખસોને સોંપી દેવાનો હોય છે. કેરિયર તરીકે ઓળખાતા આ માણસોની બદલી થયા બાદ અમુક ટોળીએ બોટને આંતરરાષ્ટ્રીય જળસીમા પાર કરાવી દેવાની હોય છે. ભારતની જળસીમામાં ઘુસ્યા બાદ બોટનો કબજો કોઈ ત્રીજી જ ટુકડી દ્વારા લેવામાં આવે છે. આમ સલામત રીતે કાંઠા સુધી ડ્રગ્સનો જથ્થો અને બોટ આવે ત્યાં સુધીમાં તો બોટના માણસો ચોથી વખત બદલાઇ જાય છે. એટલું જ નહીં, કિનારે ડિલિવરી લેનારા પણ જુદા જ લોકો હોય છે.
સમગ્ર નેટવર્ક ચોક્કસ પ્રકારના નક્કી થયેલા કોડવર્ડમાં અને સાંકેતિક ભાષામાં માહિતીનું આદાનપ્રદાન કરતું હોય છે. જેથી સામાન્ય માણસોને તેનો ખ્યાલ સુદ્ધાં આવતો નથી. સામાન્ય લોકો તેને માછીમારી બોટ જ સમજી બેસે છે. જુદા જુદા સ્તરની આ ગોઠવણના કારણે સૌથી મોટી સમસ્યા એ સર્જાય છે કે ડ્રગ્સ મોકલનાર અને મગાવનાર સુધી ક્યારેય સુરક્ષા એજન્સીઓ પહોંચી જ શકતી નથી.
આ ઝડપાયેલા પાકિસ્તાની શખસો કદાચ ત્યાંથી ડ્રગ્સ મોકલનાર કોઈ સ્થાનિક લોકોના નામ આપે તો પણ ભારતીય સુરક્ષા એજન્સીઓ ત્યાં સુધી પહોંચી શકવાની નથી. પરિણામે ડ્રગ્સ મોકલનાર કોણ છે? તે ક્યારેય બહાર આવતું નથી. વળી આ જથ્થો ક્યાં લઈ જવાનો હતો તે બાબત પણ અત્યારે ઝડપાયેલા શખસોને ખબર હોતી નથી! આથ જ ભૂતકાળમાં ઝડપાયેલા કરોડો રૂપિયાના નશીલા જથ્થાના છેડા આજ સુધીમાં શોધી શકાયા નથી.
ખરો આશય દરિયાઈ સુરક્ષાની ચકાસણીનો?
સરહદી સુરક્ષાના જાણકાર સૂત્રો એવો પણ દાવો કરી રહ્યા છે કે, પાકિસ્તાન દ્વારા ડ્રગ્સનું આ કન્સાઈન્ટમેન્ટ મોકલવાનો આશય ખરેખર તો ભારતીય દરિયાઈ સીમાની સુરક્ષા વ્યવસ્થા ચકાસવાનો પણ હોઈ શકે છે. સામાન્ય રીતે આઈએસઆઈ દ્વારા આવા કારસ્તાન કરાય છે. હાલ અરબ દેશોમાં પ્રવર્તી રહેલી યુદ્ધની સ્થિતિ વચ્ચે વૈશ્વિક સલામતીનો પ્રશ્ન ખડો થયો છે. આ સમયે ભારતે તેની દરિયાઇ સીમામાં કેવી અને કેટલી સલામતી વ્યવસ્થા ગોઠવી છે? તેની જાણકારી મેળવવા માટે પણ આવી રીતે પાકિસ્તાની ડ્રગ્સ મોકલાયું હોઈ શકે છે.