દાંડીઃ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ જાહેર સંબોધન કરતી વખતે શબ્દોમાં નમ્રતા અને ભાષામાં શિષ્ટાચાર જાળવી રાખવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, સ્વસ્થ અને મજબૂત લોકશાહી માટે તે જરૂરી છે.
'આઝાદીનો અમૃત મહોત્સવ' અંતર્ગત યોજાયેલી ૨૫ દિવસ લાંબી 'દાંડી કૂચ'નો સમાપન કાર્યક્રમ મંગળવારે દક્ષિણ ગુજરાતના દાંડી ગામે યોજવામાં આવ્યો હતો જ્યાં સંબોધન આપતા ઉપરાષ્ટ્રપતિએ પ્રત્યેક લોકોને મહાત્મા ગાંધીના જીવનમાંથી પ્રેરણા લેવા માટે કહ્યું હતું કે તેમણે હંમેશા તેમના વિરોધી સામે પણ વિનમ્ર અને આદરપૂર્ણ ભાષાનો જ ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘ગાંધીજીનો અહિંસાનો સિદ્ધાંત માત્ર શારીરિક હિંસા પૂરતો સિમિત નથી પરંતુ તેમાં શબ્દો તેમજ વિચારોમાં પણ અહિંસા સમાયેલી છે’. તેમણે ઉમેર્યું હતું કે, રાજકીય પક્ષોએ તેમના હરીફો સાથે શત્રુઓ જેવું વર્તન ના કરવું જોઇએ. ભારતની સ્વતંત્રતાના ૭૫ વર્ષની ઉજવણી કરવા માટે વડા પ્રધાન પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૨ માર્ચ ૨૦૨૧ના રોજ અમદાવાદમાં આવેલા સાબરમતી આશ્રમ ખાતેથી 'આઝાદીનો અમૃત મહોત્સવ'નો પ્રારંભ કર્યો હતો જે ૭૫ અઠવાડિયા સુધી ચાલનારી ઉજવણી છે. આ મહોત્સવ દરમિયાન છેલ્લા ૭૫ વર્ષમાં ભારતે જે ઝડપી વેગે પ્રગતિ કરી છે તેની ઉજવણી કરવામાં આવી રહી છે.
ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, આ એવો મહોત્સવ છે જે આપણે આપણી છુપાયેલી શક્તિઓને ફરી શોધવા માટે પ્રોત્સાહિત કરે છે અને દેશના સૌહાર્દમાં આપણું યોગ્ય સ્થાન ફરી પ્રાપ્ત કરવા માટે નિષ્ઠાપૂર્ણ અને તાલમેલપૂર્ણ પગલાં લેવા માટે કહે છે.
મહાત્મા ગાંધીની આઇકોનિક દાંડીની મીઠાની કૂચને આપણી સ્વતંત્રતાના સંગ્રામમાં એક જળવિભાજક ક્ષણ ગણાવીને નાયડુએ જણાવ્યું હતું કે, તેનાથી ઇતિહાસની દિશા બદલાઇ ગઇ છે. તેમણે કહ્યું હતું કે, ‘આપણે આજે જેની પ્રતિકાત્મક ફરી મુલાકાત લઇ રહ્યાં છીએ તે દાંડી કૂચ પડકારનો સામનો કરતી વખતે એકજૂથ થઇને રહેવાના આપણા રાષ્ટ્રના સામર્થ્યને સૂચિત કરે છે.’ વિકાસના માર્ગે એકજૂથ થઇને આગળ વધવાના આ સામર્થ્યએ સંખ્યાબંધ સકારાત્મક પરિણામો આપ્યા છે તેની નોંધ લેતા તેમણે એક વાત પણ રેખાંકિત કરી હતી કે, ભવિષ્યમાં પણ માર્ગનું આવી જ રીતે અનુસરણ કરવામાં આવે તે પણ જરૂરી છે.
આત્મનિર્ભર ભારત
ઉપરાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું હતું કે, ગાંધીજી અને સરદાર પટેલ જેવા મહાપુરુષોના સંદેશા આપણને આપણાં સપનાંના ભારતનું નિર્માણ કરવા માટે એકજૂથ થઇને કામ કરવા માટેની પ્રેરણા આપે છે. તેમણે કહ્યું હતું કે, ભારત પોતાની સમૃદ્ધિ અન્ય રાષ્ટ્રો સાથે વહેંચવામાં માને છે. તેમણે ઉમેર્યું હતું કે, ‘આ એવો દેશ છે જે, બંધારણીય મૂલ્યોનું જતન કરે છે અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવે છે અને સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસની ભાવના સાથે તાલ મિલાવીને દરેક લોકોના કલ્યાણ માટે ઘેરી કટિબદ્ધતા ધરાવે છે.’
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, કોરોના વાયરસ મહામારી દરમિયાન આપણા ખંત, ટકાઉક્ષમતા, ઉદ્યમશીલતા અને આવિષ્કારની લાગણી પુરવાર થઇ ગઇ છે. તેમણે પીપીઇ કિટ્સ, સર્જિકલ ગ્લવ્ઝ, ફેસ માસ્કથી માંડીને વેન્ટિલેટર અને રસી જેવી આવશ્યક ચીજવસ્તુઓના વિનિર્માણમાં આત્મનિર્ભર ભારતની દૂરંદેશીને સાર્થક કરવા માટે જે સંશોધકો, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગ સાહસિકોએ સહિત તમામ લોકોએ મહેનત કરી તે સૌની પ્રશંસા કરી હતી.
વસુધૈવ કુટુંબકમ્
“વસુધૈવ કુટુંબકમ્”ની ભાવના પર વિશેષ ભાર મૂકતા તેમણે એ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે, એકતરફ ભારતમાં સમગ્ર દુનિયાની સૌથી મોટી રસીકરણ કવાયત ચાલી રહી છે ત્યારે સાથે સાથે, ભારત દુનિયાના સંખ્યાબંધ દેશોમાં રસીનો જથ્થો પણ પહોંચાડી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, “આ જ એ અમૃત છે જે આપણા વારસામાં રહેલું એક શાશ્વત સાર્વત્રિક દૂરંદેશી છે” અને તેમણે સંતોષની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ કસોટીના સમયમાં પણ, આપણો દેશ ગાંધીજીની નૈતિક વિચારધારાને ખૂબ જ સારી રીતે અનુસરી રહ્યો છે.
પડકારો વચ્ચે પણ પ્રગતિ
આ પ્રસંગે, નાયડુએ કોવિડ-19 દરમિયાન લાગુ કરવામાં આવેલા લોકડાઉન સહિત સંખ્યાબંધ પડકારો વચ્ચે પણ વિક્રમી પ્રમાણમાં કૃષિ ઉત્પાદન કરનારા ખેડૂત સમુદાયની કામગીરીને બિરદાવી હતી. તેમણે ખેડૂતોને 'અગ્ર હરોળના યોદ્ધાઓ' ગણાવતા કહ્યું હતું કે, ખેડૂતોએ કટોકટીના સમયમાં પણ દેશમાં આપણી ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાનું કામ કર્યું છે. તેમણે એવો પણ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે, 'અમૃત મહોત્સવ' આત્મનિર્ભર ભારતની લાગણી ફરી જાગૃત કરવા માટે અગ્રેસર બનવો જોઇએ. ઉપરાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું હતું કે, અમૃત મહોત્સવનો ઉદ્દેશ આપણી સ્વતંત્રતાના સંગ્રામના મહાન નાયકોને શ્રદ્ધાંજલી આપવા માટે છે અને તેમના આદર્શો તેમજ મૂલ્યોને સમર્પિત થવા માટે છે.
તેમણે દાંડી કૂચની ઉજવણીમાં ભાગ લેનારા અને ૨૫ દિવસમાં ૩૮૫ કિલોમીટરનું અંતર પગપાળાં કાપનારા ૮૧ સ્વયંસેવકોને અભિનંદન પાઠવ્યા હતા. દાંડી કૂચ (૧૯૩૦)માં ભાગ લેનારા મોટા ભાગના સહભાગીઓ ૪૦ વર્ષથી ઓછી ઉંમરના હતા તે બાબતનું અવલોકન કરતા નાયડુએ નોંધ્યું હતું કે, મીઠાના સત્યાગ્રહની આ ચળવળે ભારતના યુવાનો અને મહિલાઓને સ્વતંત્રતાના સંગ્રામ તરફ ખેંચી જવાની ભૂમિકા નિભાવી હતી.
સત્યાગ્રહનો એક ઉદ્દેશ સાંસ્કૃતિક ઉત્કર્ષનો
ગાંધીજીની સ્વતંત્રતાની પરિકલ્પના સમજાવતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, તેઓ માનતા હતા કે રાજકીય ગુલામીથી માત્ર આર્થિક શોષણ નથી થતું પરંતુ સાંસ્કૃતિક રીતે પણ તે સમાજને ખતમ કરી નાંખે છે. આથી, ગાંધીજીના સત્યાગ્રહનો ઉદ્દેશ માત્ર રાજકીય સ્વતંત્રતાનો ન હોતો પરંતુ રાષ્ટ્રના સાંસ્કૃતિક ઉત્કર્ષનો પણ હતો. શ્રી નાયડુએ ઉમેર્યું હતું કે, તેમણે હંમેશા અસ્પૃશ્યતા, સામુદાયિક સૌહાર્દ અને 'સ્વદેશી' જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા.
મહાત્મા ગાંધીએ 1931માં યંગ ઇન્ડિયામાં લખેલા એક લેખનો સંદર્ભ આપતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, 'પૂર્ણ સ્વરાજ' ત્યાં સુધી પ્રાપ્ત ના થઇ શકે જ્યાં સુધી તવંગરોને મળતી સુવિધાઓ અને અધિકારીઓ દેશમાં ગરીબો સુધી પણ સમાન પ્રમાણમાં ના પહોંચે. આથી જ ગાંધીજીએ 'મીઠા' જેવી દૈનિક જરૂરિયાતની વસ્તુને તેમના સત્યાગ્રહનો વિષય બનાવ્યો હતો.
છેલ્લા ૭૫ વર્ષમાં રાષ્ટ્રએ કરેલી પ્રગતિ વિશે વાત કરતા શ્રી નાયડુએ જણાવ્યું હતું કે, વર્ષોના આ સમય દરમિયાન, આપણે રાષ્ટ્રની એકતા અને અખંડિતાને વધુ મજબૂત કરી શક્યા છીએ, લોકશાહીની પ્રક્રિયામાં તમામ વર્ગોની સહભાગીતા સુનિશ્ચિત કરી શક્યા છીએ, આપણી જાતને ખાદ્યન્નના ઉત્પાદનમાં આત્મનિર્ભર કરી શક્યા છીએ, આરોગ્ય સૂચકાંકોમાં સુધારો આવ્યો છે અને દેશમાં ભૌતિક તેમજ ઇલેક્ટ્રોનિક માળખાકીય સુવિધાનું સર્જન પણ કરી શક્યા છીએ. તેમણે આ તમામ સિદ્ધિઓને પ્રશંસનીય અને ગૌરવપૂર્ણ ગણાવી હતી.
દિવસના પ્રારંભમાં ઉપરાષ્ટ્રપતિએ પ્રાર્થના મંદિર ખાતે ગાંધીજીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી અને પ્રતિકાત્મક દાંડી કૂચમાં ભાગ લેનારા તમામ સહભાગીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે સૈફી વિલાની પણ મુલાકાત લીધી હતી જ્યાં ગાંધીજીએ ૪ એપ્રિલ ૧૯૩૦ના રોજ રાત્રિ રોકાણ કર્યું હતું. ત્યારબાદ, નાયડુએ રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારકની મુલાકાત લીધી હતી જે મીઠાના સત્યાગ્રહમાં ભાગ લેનારા તમામ એક્ટિવિસ્ટ અને સહભાગીઓની સ્મૃતિમાં બાંધવામાં આવ્યું છે. પોતાની મુલાકાતને યાદગાર ગણાવતા અને આ મુલાકાતને ખૂબ જ ભાવનાત્મક અનુભવ ગણાવતા શ્રી નાયડુએ ભારપૂર્વક કહ્યું હતું કે, તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓની સ્મૃતિમાં આવા સ્મારકોનું નિર્માણ કરવાની જરૂરિયાત છે જેથી તેમના પરથી યુવા પેઢીને પ્રેરણા આપી શકાય અને તેમના આદર્શોને યુવા પેઢી અનુસરી શકે. તેમણે યુવાનોને દાંડી સ્મારકની મુલાકાત લેવા માટે અને આપણા 'રાષ્ટ્રપિતા'એ આપેલા સંદેશમાંથી પ્રેરણા મેળવવા માટે અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, સિક્કિમના મુખ્ય પ્રધાન પ્રેમસિંહ તમાંગ, કેન્દ્રીય પર્યટન અને સાંસ્કૃતિક રાજ્યપ્રધાન પ્રહલાદસિંહ પટેલ, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, સાંસદ સી. આર. પાટીલ, ઉપરાષ્ટ્રપતિના સચિવ આઇ.વી. સુબ્બારાવ, સાબરમતી આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટી સુદર્શન આયંગર સહિત અન્ય મહાનુભાવો પણ આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યાં હતા.