ગાંધીનગરઃ તાઈવાન સરકાર ગુજરાતમાં પેટ્રોકેમિકલ્સ પ્રોજેક્ટ સ્થાપવાની શક્યતાના અહેવાલો વચ્ચે તાજેતરમાં તાઈવાન સરકારના ઉચ્ચ અધિકારીઓ આ સંદર્ભે રાજ્યમાં સાઈટ વિઝિટ માટે આવ્યા હતા. સાઈટ વિઝિટ બાદ અધિકારીઓએ વાટાઘાટો પણ કરી છે. જો આ પ્રોજેક્ટ સાકાર બનશે તો રાજ્યમાં નવું ૬ બિલિયન યુએસ ડોલર એટલે કે રૂ. ૩૯ હજાર કરોડનું જંગી વિદેશી રોકાણ આવશે તેમ ટોચના સૂત્રો જણાવી રહ્યાં છે. તાઈવાન સરકારની કંપની સીપીસી કોર્પારેશન દ્વારા પેટ્રોકેમિકલ્સ પાર્ક સ્થપાવાની શક્યતા છે, જે સંદર્ભે તાઈવાન સરકારે જાહેરાત કરી દીધી છે. આ પેટ્રોલિયમ રિફાઈનરીમાં નેપ્થા ક્રેકર પ્લાન્ટ સ્થાપી ઈથિલિન તથા એરોમેટિક્સ જેવી પેટ્રોલિયમ પેદાશોનું ઉત્પાદનની યોજના છે. મોટા ભાગે કચ્છમાં એસઈઝેડ ખાતે પ્રોજેક્ટ સ્થપાશે.