વ્યારાઃ ગત વર્ષ દરમિયાન ભારત સરકાર દ્વારા રાજ્યની વિવિધ જિલ્લા પંચાયતોની ચકાસણી કરાઈ હતી. જેમાં તાપી જિલ્લામાં પણ ફેબ્રુઆરી માસમાં એક ટીમ દ્વારા અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. એ રિપોર્ટ મુજબ જિલ્લા પંચાયતની વિવિધ કામગીરીનું મૂલ્યાંકન કરાયું હતું. જિલ્લા પંચાયતમાં લેખિતમાં ગુજરાત રાજ્યની સર્વશ્રેષ્ઠ જિલ્લા પંચાયત તરીકે પસંદગી કરવામાં આવી હતી. લખનઉમાં આ અંગેનો એવોર્ડ તાજેતરમાં અપાયો હતો. તાપી જિલ્લા પંચાયત તાપીના પ્રમુખ સહિત ટીમે લખનઉમાં એવોર્ડ સ્વીકાર્યો હતો.
નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ દરમિયાન ભારત સરકાર દ્વારા વાર્ષિક પ્રોત્સાહન યોજના સ્વરૂપે વિવિધ રાજ્યની જિલ્લા પંચાયતોમાં ટીમ મોકલવી હતી જેમાં ફેબ્રુઆરી માસમાં દિલ્હીથી એક ટીમ તાપી જિલ્લા પંચાયતમાં ચકાસણી કરવા આવી હતી. જે ટીમ દ્વારા જિલ્લા પંચાયતના ઓફિસવર્ક અને ફિલ્ડવર્કની ચકાસણી કરાઈ હતી. આ સાથે જિલ્લા પંચાયતની નિયત સભાઓ, બજેટ, લોક ભાગીદારીના કામો, વિકાસના કામો, શિક્ષણ, આરોગ્ય સહિત પાયાની સુવિધાઓનું મૂલ્યાંકન કરાયું હતું. એ પછી તાપી જિલ્લા પંચાયતમાં ભારત સરકારના પંચાયત રાજ વિભાગ તરફથી લેખિતમાં તાપી જિલ્લા પંચાયતની ગુજરાતની શ્રેષ્ઠ જિલ્લા પંચાયત તરીકે નિમણૂક કરી હતી. તેમજ રાષ્ટ્રીય પંચાયત દિવસની ઉજવણીના દિવસે લખનઉમાં વિવિધ મહાનુભાવોના હસ્તે તાપી પંચાયતની ટીમને એવોર્ડ અપાયો હતો.