ભરૂચઃ ભરુચના મનબુર અને વલણ ગામના અને ધંધાર્થે સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં સ્થાયી થયેલા બે યુવાનો પર લૂંટના ઇરાદે ધસી આવેલા અશ્વેતોએ પાંચમીએ ફાયરિંગ કરતાં બંને ગુજરાતી ઘવાયા હતા. ભરુચના મનુબર ગામે શેઠાણી સ્ટ્રીટના રહેવાસી મહંમદ હસુનુદ્દીન દાઉદ માજા ૮ વર્ષ પહેલાં રોજગારી અર્થે સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં ગયા હતા. તેમનાં પત્ની તેમજ સંતાન મનુબરમાં જ રહે છે. પાંચમીએ તે કેપટાઉનમાં તેમની દુકાને હતા. તેમની સાથે વલણ ગામનો સુફિયાન પણ ત્યાં જ કામ કરતો હતો. દરમિયાનમાં બપોરે લૂંટના ઇરાદે ધસી આવેલા એક અશ્વેતે તેમની દુકાનમાંથી સામાન તેમજ રોકડની લૂંટ ચલાવી હતી અને જમીન પર ફાયરિંગ કરતાં ગોળી જમીન સાથે અથડાઈને મહંમદ હસુનુદ્દીનને પગમાં વાગી હતી.
હુમલાખોરોએ સુફિયાનને પણ માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને પછી નાસી છૂટ્યા હતા. સુફિયાને માથા પર પાંચ ટાંકા આવ્યા હતા.