સુરતઃ સુરતથી દીલ્હી જતી ફ્લાઇટ બુધવારે પણ બંધ રાખવાનાં એરપોર્ટ ઓથોરિટીના નિર્ણયથી શહેરીજનો અને સંસ્થાઓએ નારાજ થઇ વિરોધ કર્યો હતો. જેથી ઓથોરીટીએ નિર્ણય બદલવાની ફરજ પડી હતી. બુધવારે પણ આ ફ્લાઇટ ચાલુ રાખવાની જાહેરાત કરવાની સાથે બુધવારનું બુકિંગ પણ એરપોર્ટ દ્વારા શરૂ કરાયું હતું. સુરતથી દીલ્હી વચ્ચે એર ઇન્ડિયા ૭૨ સીટવાળી ફ્લાઇટ છેલ્લાં કેટલાંક સમયથી ચાલુ છે, પરંતુ આ સેવામાં અનેકવાર વિઘ્નો આવ્યા છે. અઠવાડિયામાં માત્ર ગુરુવારે જ આ સેવા બંધ રહે છે. જોકે ઓથોરીટી દ્વારા બુધવારે પણ આ ફ્લાઇટ બંધ રાખવાનો નિર્ણય જાહેર કરતાં વિવાદ વકર્યો હતો. આ નિર્ણયના વિરોધમાં સુરતના સાંસદ, ચેમ્બર તથા એક સંસ્થા દ્વારા ઝૂંબેશ શરૂ થઇ હતી. ઉલ્લેખનીય છે કે સુરતને એરપોર્ટની સેવાને લઇને અન્યાય થઇ રહ્યો હોવાના આક્ષેપ વચ્ચે શહેરીજનો દ્વારા સુરતને વધુ ફ્રીકવન્સી અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળે તે માટે શહેરીજનો રજૂઆત કરે છે.
સુરત એરપોર્ટની રન-વેની લંબાઈ ૬૫૫ મીટર વધશે
સુરત એરપોર્ટ પર રૂ. ૭૩.૦૨ કરોડના ખર્ચે રન-વે ૬૫૫ મીટર વધારવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે. જે માટે મુંબઈની એક કંપનીનું ટેન્ડર પણ મંજૂર થયું છે. સાથે સાથે કાર્ગો ટર્મિનલ, એરોબ્રિજ, દિવાલ રિપેરિંગ, પેરામિટર રોડ તથા સીસીટીવી માટે પણ રૂ. ૧૭૫ કરોડના ટેન્ડરો મંજૂર થયા છે. થોડા મહિના અગાઉ સુરતના એરપોર્ટ ખાતે વિમાનને બફેલો હિટની ઘટના બની હતી. આ ઘટના બાદ સુરત ખાતે કાર્યરત ફ્લાઈટો બંધ થઈ હતી. અત્યારે પણ એવી સ્થિતિ છે કે એક પણ ખાનગી કંપની સુરતથી નવી ફ્લાઈટ શરૂ કરતી નથી. ફક્ત એર ઈન્ડિયાની સુરત દિલ્હી ફ્લાઈટ જ કાર્યરત છે. બીજી તરફ એરપોર્ટ ઓથોરિટી સુરત એરપોર્ટને અદ્યતન બનાવવા માટેની કામગીરી ઝડપી કરવામાં આવી છે.