નવસારીઃ વિદેશવાસી મહિલા સાથે વારસાગત જમીન મુદ્દે છેતરપિંડી થઇ હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. આ કેસની વિગતો મુજબ ગણદેવીના કછોલી અને કોલવા ગામે આવેલી વારસાગત જમીનનું ખોટું પેઢીનામું અને ખોટા દસ્તાવેજો બનાવી વિદેશવાસી મહિલાનું જમીન-મિલ્કતમાંથી નામ કાઢી કછોલીની જમીન સાવકી માતા અને બહેને કુટુંબીઓ સાથે મળી અન્યોને વેચી દેતા ચકચાર મચી છે. આ વિદેશવાસી મહિલાએ ગણદેવી પોલીસમાં સાવકી માતા-બહેન અને કછોલી ગામના તત્કાલીન તલાટી સહિત છ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસના અખબારી અહેવાલમાં જણાવ્યા મુજબ નવસારીમાં લુન્સીકુઇ ખાતે રામકૃપા બિલ્ડીંગમાં રહેતા મૂળ કછોલીના એન.આર.આઇ. પુષ્પાબેન રામાભાઇ આહિરની વડીલો પાર્જીત જમીન-મિલ્કતો કછોલી અને કોલવા ગામમાં છે. પુષ્પાબેનના સાવકી માતા શાંતાબેન રામાભાઇ આહિર તથા સાવકી બહેન મધુબેન બુધાભાઇ આહિરે એકબીજાની મદદથી પુષ્પાબેનના પિતા અને કાકાની સહિયારી વણવહેંચાયેલી મિલ્કત અંગે ખોટું પંચનામું બનાવી તેમાં પુષ્પાબેનનું નામ દાખલ ન કરાવી કછોલીના બાલુભાઇ સી. આહીર તથા કોલવાના કેતન મગનભાઇ આહીરની મદદથી કછોલી ગ્રામપંચાયતના તલાટી પાસે વારસાઇ નોંધ અને પેઢીનામું બનાવી ખોટા દસ્તાવેજ બનાવ્યા હતાં.
આ ઉપરાંત આરોપીઓએ પુષ્પાબેનના કાકા જોગીભાઇની મિલ્કતમાં તેમના મરણના નવ વર્ષ પછી બનાવટી સહીથી બોગસ વિલ બનાવી એકબીજાની મદદથી કછોલીમાં આવેલી જમીનનો ખોટો દસ્તાવેજ બનાવીને અન્યને તે જમીન વેચી હતી અને પુષ્પાબેનને તેમના હિસ્સાના રૂપિયા પણ આપ્યા ન હતા. થોડા સમય અગાઉ પુષ્પાબેન નવસારી આવતા અને પોતાની મિલ્કત અંગે તપાસ કરતા આ તમામ હકીકત બહાર આવી હતી.