નવસારી જિલ્લામાં એનઆરઆઇની સંખ્યા વધુ છે. વિદેશમાં વસતા ગુજરાતી યુવાનો અહીં આવીને જ લગ્ન કરતા હોય છે. એનઆરઆઇ સાથે લગ્ન કરતી કેટલીક યુવતીઓને લગ્ન પછી દહેજ સહિતની વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી પરિણીતાઓને મદદરૂપ થવા માટે રાજ્ય સરકાર તથા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નવસારીમાં નોન રેસીડન્ટ ગુજરાતી (એનઆરજી) સેન્ટર શરૂ થશે, તેવી જાહેરાત થયાના એક વર્ષ પછી પણ તે સેન્ટર શરૂ થઇ શક્યું નથી! સૂત્રો જણાવે છે કે નવસારી ચેમ્બરની ઉદાસિનતાને કારણે એ સેન્ટર શરૂ થઈ શક્યું નથી. નવસારી જિલ્લાના ઘણા લોકો વિદેશમાં વસે છે. અમેરિકા, કેનેડા, બ્રિટન, ન્યૂ ઝીલેન્ડ જેવા ઘણા દેશમાં અહીંના વતનીઓ વસે છે. ખાસ કરીને કાંઠા વિભાગના ઘણા લોકો વિદેશમાં વસે છે.
એલ.એન્ડ ટી. કંપનીના ચેરમેન ડિ.લીટની પદવી અપાશેઃ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સિન્ડીકેટ અધિકાર મંડળની બેઠકમાં મૂળ દક્ષિણ ગુજરાતના ગણદેવીના વતની અને એલ એન્ડ ટી કંપનીના ચેરમેન એ.એમ. નાયકને ડોક્ટરેટ ઓફ લિટરેચર (ડિ.લીટ.)ની માનદ પદવી આપવાનો ઠરાવ કરવામાં આવ્યો છે.
સુરતમાં વધુ બનશે નવા ૪૬ બ્રિજઃ સુરત મહાનગરપાલિકાએ શહેરમાં રૂ. ૧૩૪૭ કરોડના ખર્ચે નવા ૪૬ બ્રિજનું આયોજન કર્યું છે. મ્યુનિસિપલ કમિશ્નરે રૂ. ૪૪૭૦.૭૨ કરોડના બજેટમાં રૂ. ૩૦૪.૫૯ કરોડનો વધારે કરી સ્થાયી સમિતિએ રૂ. ૪૭૭૫.૩૧ કરોડનું બજેટ મંજુર કરીને સામાન્ય સભા સમક્ષ મુક્યું છે. જેમાં આ નવા ૪૬ બ્રિજનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ સુરત નજીકના સમયમાં બ્રિજ સિટી બની જાય તો નવાઇ નહીં.
સુરતના મહત્ત્વના ઉદ્યોગ માટે સિંગલ વિન્ડો શરૂ કરાશેઃ ગત માસે ગાંધીનગરમાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં રૂ. ૨૫ લાખ કરોડનાં સમજૂતી કરાર થયા છે. જેમાં રાજ્યની આર્થિક રાજધાની સુરતમાંથી રૂ.૧૪૦૦ કરોડનાં નાના-મોટા સમજૂતી કરાર થયા છે. આ તમામ કરારને ઝડપથી સાકાર કરવા માટે સરકારે સિંગલ વિન્ડો સિસ્ટમ લાગુ કરવાનું નક્કી કર્યું છે. વાયબ્રન્ટ સમિટમાં કરાર કરાયેલાં તમામ પ્રોજેક્ટની વહીવટી વિભાગની કામગીરીમાંથી પાસ કરવા માટે તંત્ર સિંગલ વિન્ડો સિસ્ટમથી કામ કરશે. ખાસ કરીને પ્રોજેક્ટની જમીનની સમસ્યાનાં ઉકેલ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ ફાયદાકારક રહેશે, તેવું ઉદ્યોગકારો માને છે.