આણંદઃ મૂળ દાવોલના અને વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા ઉદ્યોગપતિ જે. ડી. પટેલે ૧૪મી મેએ બોરસદ તાલુકાના ૬૫ ગામના જરૂરિયાતમંદ ૨૯૪ વિદ્યાર્થીને શાળાની ફીની રકમના ચેક આપ્યા બાદ બીજા દિવસે રવિવારે વાલ્મિકી સમાજની સાત દીકરીને કરિયાવર આપ્યું હતું, જેમાં દીકરીઓને સોનાના દાગીનાથી લઈને ઘરવખરી આપી હતી. બોરસદમાં જે. ડી. પટેલ કોલેજના પટાંગણમાં ચરોતર વાલ્મીકિ સમાજ મહાપંચાયત આણંદના તૃતીય સમૂહ લગ્નોત્સવમાં સાત યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા.
• રૂ. બે કરોડની ખંડણી વસૂલવા બિલ્ડરનું ઘર સળગાવી દીધુંઃ સરથાણા વિસ્તારમાં યોગી ચોક પાસે આવેલા ભાવના પાર્ક સોસાયટીમાં રહેતા બિલ્ડર હિંમતભાઇના ઘરમાં ઘૂસીને રાજેશ કાનજી ધોળીયા, રસિક કાનજી ધોળીયા અને સંજય ગણેશ ખોખાણી તથા તેમના સાથીદારોએ આગ ચાપી દેતાં ઘરવખતરી સહિત રૂ. સાત લાખનું નુકસાન થયું હતું. આખી ઘટના સીસી કેમેરામાં કેદ થતાં આરોપીઓ ઓળખાઈ ગયા હતા. આ ગેંગે અગાઉ બિલ્ડર પાસે રૂ. બે કરોડની ખંડણીની ઉઘરાણી કરી હતી. આ કેસમાં પોલીસે ગુનો દાખલ કરીને બે ભાઇઓ સહિત ત્રણની ધરપકડ કરી હતી.
• દમણનાં અંબામાતા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવઃ સંઘ પ્રદેશ દમણમાં અંબામાતાનું મંદિર આવેલું છે. મંદિરમાં ભક્તોની સંખ્યા દિવસે ને દિવસે વધતાં મંદિરની સામે જ આવેલી ખુલ્લી જગ્યામાં માતાજીનું મંદિરનું પરિસર વિશાળ બનાવવાના આશય સાથે મંદિરના ટ્રસ્ટી અસ્પી દમણિયા દ્વારા એક નવા મંદિરનું નિર્માણ ૬ મહિના અંતર્ગત થઈ જતાં માતાજીના મંદિરમાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું હતું. જ્યાં ૧૬મીએ પ્રતિષ્ઠાના ત્રીજા દિવસે અંબામાતાની મૂર્તિની શાસ્ત્રોકતવિધિ પ્રમાણે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરવામાં આવી હતી.
• ભરૂચને રૂ. ૫૬ કરોડના વિકાસકાર્યોની ભેટઃ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે ભરૂચ નગરમાં માતરિયા તળાવ બ્યુટીફિકેશન અને અન્ય જનહિત કાર્યો મળી કુલ રૂ. ૫૬ કરોડના વિકાસ કાર્યો નગરજનોને તાજેતરમાં ભેટ ધરી હતી. મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, સૌના સાથ સૌના વિકાસની નેમ સાથે સાશનદાયિત્વ સંભાળી રહેલી ભાજપાની કેન્દ્ર અને રાજ્ય સરકારે લોકોના પ્રશ્નો સમસ્યાઓનું સ્થળ પર ત્વરિત નિવારણનો લોકસંવાદ સેતુ રચીને વિકાસ કામો સાથે પ્રજાકીય કાર્યોને પણ નવી દિશા આપી છે.
• આણંદ કૃષિ યુનિ.એ અશ્વગંધા ઔષધિની નવી જાત વિકસાવીઃ આણંદ કૃષિ યુનિવર્સિટીએ ખેડૂતો માટે ૪૦ ટકા વધુ ઉત્પાદન આપતી અશ્વગંધા ઔષધિની જાત શોધી છે અને ખેડૂતોને આ ચોમાસાથી આ ઔષધિનું ખેતર વાવેતર કરવાની ભલામણ કરી છે. ઔષધિની અન્ય જાતો કરતાં અશ્વગંધાનું ઝડપી અને વધુ ઉત્પાદન થાય છે. અશ્વગંધાનો ઉપયોગ ખાસ કરીને મહિલાઓને થતાં અનેક અસાધ્ય રોગોને કાબૂમાં લેવા માટે થાય છે. પાંદડા અને મૂળનો ઉપયોગ દવા તરીકે થાય છે.