અંકલેશ્વરઃ અંકલેશ્વરના જૂના દિવા ગામના વતની અને વર્ષોથી સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલા અબ્દુલ અઝીઝ આદમ માંજરા, તેમનાં પત્ની, ૧૫ વર્ષની દીકરી, ૧૦ વર્ષનો દીકરો અને આશરે ૬૫ વર્ષીય માતા સાથે મારિત્ઝબર્ગમાં રહેતા હતા. પાંચ મહિના અગાઉ આ પરિવાર લાર્ચ રોડ પાસેના ઘરમાં શિફ્ટ થયો હતો.
માંજરા પરિવાર તાજેતરમાં ઊંઘતો હતો ત્યારે વહેલી સવારે ૩-૩૦ કલાકે તેઓના ઘરમાં આગ લાગી હતી. પાડોશીઓએ આગ જોતાં ફાયરબ્રિગેડને જાણ કરી હતી, પરંતુ કોઈ મદદ મળે તે પહેલાં અબ્દુલ અઝીઝ માંજરા (ઉં ૫૦), તેમનાં પત્ની ગોરીબહેન (ઉં ૪૦), પુત્ર મહંમદ રિઝવાન (ઉં ૧૦), પુત્રી મહેરુનિસા (ઉં ૧૩) અને ૬૫ વર્ષીય વૃદ્ધા ઘરમાં જીવતા જ ભુંજાઈ ગયા હતા. અશ્વેત લૂંટારુઓ દ્વારા લૂંટના ઈરાદે ઘરને બહારથી આગ લગાવાઈ હોવાનું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે. જેની પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. જોકે મીડિયા રિપોર્ટ્સમાં એવું જણાવાયું છે કે મકાનમાં આગ લાગતાં પહેલા પરિવારમાં મોટો ઝગડો થયો હતો. પોલીસ પણ હત્યા અને ગુનાહિત આગને કેન્દ્ર સ્થાને રાખી તપાસ ચલાવી રહી છે.
તાજેતરમાં જ અબ્દુલ માંજરાની દીકરી મહેઝબિનના લગ્ન થયા હોવાથી એ બચી ગઈ હતી. અબ્દુલ અઝીઝ છેલ્લા ૨૨ વર્ષથી દ. આફ્રિકામાં મોલમાં નોકરી કરતા હતા.