સુરત: માણસના બે હાથ એની દિનચર્યા દરમિયાન કેટલા બધા કામ કરે છે. જીવનના કોઈ વળાંક પર જો માણસના આ બે હાથ નહીં હોય તો? આ કલ્પના માત્રથી કંપારી છૂટી જાય છે. ત્યારે દસ વર્ષની ઉંમરે બસ દુર્ઘટનામાં પોતાના બંને હાથ ગુમાવનારા શહેરના નવાગામ વિસ્તારના મનોજ ભીંગારેએ પરાવલંબી ન બનતા જીવનની વાસ્તવિકતા સ્વીકારી છે. તેના બંને પગ દૈનિક ક્રિયામાં ઉપયોગમાં લઈને સમાજને એક દાખલો આપ્યો છે. પગથી જમવાનું અને લખવાનું શરૂ કરનારો મનોજ અચ્છા ચિત્રકારને માત આપી દે તેમ પગથી એકથી એક ચઢિયાતા ચિત્રો દોરે છે. તેણે દોરેલા ક્રિકેટર, ફિલ્મસ્ટાર, નેતાઓ અને પ્રાકૃતિક સૌંદર્યના ચિત્રો કોઈ જુએ તો જોતું જ રહી જાય.
નવાગામમાં આવેલા જયરાજનગરમાં રહેતો મનોજ ગોપાલ ભીંગારે દસ વર્ષનો હતો ત્યારે માતાપિતા સાથે નાસિક ત્ર્યંબકેશ્વરની યાત્રાએ ગયો હતો. રસ્તામાં તેમની બસને અકસ્માત નડ્યો હતો. જેમાં મનોજના બંને હાથમાં ગંભીર ઈજાઓ થતાં કાપવા પડ્યાં હતાં. જ્યારે માતાપિતાને નાની મોટી ઇજાઓ થઈ હતી. એકના એક પુત્ર સાથે બનેલી ઘટનાથી લુમ્સ કારખાનામાં નોકરી કરતાં ગોપાલભાઈ પડી ભાંગ્યા હતા. દરમિયાન કોઈએ તેમને અમદાવાદ સ્થિત અપંગ માનવ મંડળ સંસ્થા વિશે કહેતાં મનોજને સંસ્થામાં લાવવામાં આવ્યો હતો. હરીશભાઈ અને મણિભાઈના નામના સંસ્થાના સેવાભાવી લોકોની મદદથી મનોજને નવજીવન મળ્યું હતું. ધોરણ ૧૦ સુધી અભ્યાસ કર્યા બાદ પાંચ વર્ષ ફાઈન આર્ટ્સનો કોર્સ કરીને તેણે એક ચિત્રકાર તરીકે કરિયર બનાવ્યું છે.
એક સફળ ચિત્રકારની સાથે સાથે પરિવારનો આધારસ્તંભ બનેલો મનોજ કહે છે કે, સ્ક્રેચ, લેન્ડ સ્કેપ, એપ્સટ્રેક મિનિયેચર પેઇન્ટિંગ સહિતના ચિત્રો તે પગ અને મોઢેથી સરળતાથી દોરી શકે છે. ક્રિકેટર, ફિલ્મસ્ટાર, નેતાઓ, કુદરતી સૌંદર્યના અનેક ચિત્રો તેણે દોર્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, લાલકૃષ્ણ અડવાણી, સચિન તેંડુલકર, એમ એસ ધોની, ઝહિર ખાન, અમિત મિશ્રા, કુમાર સાંગાકારા, વિવેક ઓબેરોય, કબીરખાન, બજરંગી ભાઈજાન ફેઇમ હર્ષાલી મલ્હોત્રા જેવી સેલિબ્રિટીઝને રૂબરૂ મળીને તેણે દોરેલા ચિત્રો તેમને આપ્યાં છે. મનોજને રાષ્ટ્રીય બાલશ્રી એવોર્ડ, બ્રોન્ઝ મેડલ સહિતના એવોર્ડ મળ્યાં છે.