ભરૂચ, અંકલેશ્વરઃ કોંગ્રેસ પાર્ટીનાં રાષ્ટ્રીય આગેવાન અને ગાંધી પરિવારનાં વિશ્વાસુ અહેમદ પટેલનાં નશ્વર દેહને ૨૬ નવેમ્બરે વતન અંકલેશ્વરનાં પિરામણ ગામનાં કબ્રસ્તાનમાં સુપુર્દે ખાક કરાયો હતો. અહેમદભાઇની ઇચ્છા અનુસાર તેમને માતા-પિતાની કબરની બાજુમાં જ દફનાવવામાં આવ્યા હતા. આ સમયે રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસનાં વિવિધ રાજ્યોનાં મુખ્ય પ્રધાનો, પક્ષના રાષ્ટ્રીય અગ્રણીઓ સહિત સેંકડો સમર્થકો અને ગ્રામજનોએ ઉપસ્થિત રહીને ભારે હૈયે તથા ભીની આંખે લોકલાડીલા નેતાને અંતિમ વિદાય આપી હતી. પિરામણ ગામમાંથી અહેમદ પટેલનો જનાઝો નીકળતા પરિવારજનો અને ગ્રામજનો હિબકે ચઢયા હતાં.
દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન કોંગ્રેસનાં રાષ્ટ્રીય આગેવાન અહેમદ પટેલનાં આકસ્મિક નિધનથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. ૨૪ નવેમ્બરે વહેલી સવારે ૩:૩૦ કલાકે પુત્ર ફૈઝલ પટેલે ટ્વીટ કરી પિતાના નિધનની ખબર આપતા વડા પ્રધાન સહિત દેશનાં તમામ રાજકીય વ્યક્તિઓએ અહેમદ પટેલનાં નિધન પર પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. અહેમદ પટેલનાં નશ્વર દેહને દફનવિધિ માટે અંકલેશ્વર ખાતે લાવવામાં આવ્યો હતો.
જનાજાને નિવાસસ્થાનેથી નજીકમાં આવેલા કબ્રસ્તાનમાં લઈ જવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી અહેમદ પટેલનાં પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ સાથે કબ્રસ્તાન ગયા હતાં અને દફનવિધિનાં અંત સુધી ત્યાં રોકાયા હતાં. હજારોની સંખ્યામાં સમર્થકો અને ગ્રામજનો જનાજામાં ઊમટી પડતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. કબ્રસ્તાન ખાતે મોટી સંખ્યામાં હાજર લોકોએ જનાજાની નમાઝ પઢી હતી.
રાહુલ ગાંધીએ જનાજાને કાંધ આપી
અહેમદ પટેલનાં ગાંધી પરિવાર સાથે કેટલા નજીકનાં સંબંધો હતાં તે રાહુલ ગાંધીએ પુરવાર કરી બતાવ્યું હતું. અહેમદ પટેલની અંતિમક્રિયામાં વિશેષરૂપે ઉપસ્થિત રહેવાની સાથે એક પરિવારના સભ્યની જેમ રાહુલ ગાંધીએ અહેમદ પટેલનાં જનાજાને કાંધ પણ આપી હતી. ઉપરાંત રાહુલ ગાંધીએ અહેમદભાઇના પુત્ર ફૈઝલ પટેલ પુત્રી મુમતાઝ ઉપરાંત પરિવારજનો સાથે બેસીને તેમના અકાળે આવી પડેલા દુઃખમાં સહભાગી બન્યા હતાં. દફનવિધિ સમયે કબ્રસ્તાનમાં હજારો લોકોની ઉપસ્થિતિ હોવા છતાં અને ભારે અફરાતફરીનો માહોલ હોવા છતાં તેઓ ચાલતા કબ્રસ્તાનમાં જઈ અહેમદ પટેલને જ્યાં દફનાવાયા હતા ત્યાં ગયા હતા.
અહેમદ પટેલની અંતિમક્રિયામાં ગુજરાત અને દેશમાંથી તેમના સમર્થકો અને હિતેચ્છુઓ આવી પહોંચ્યા હતાં. જેમાં કર્ણાટકનાં પ્રદેશ અધ્યક્ષ ડી. કે. શિવકુમાર, મધ્ય પ્રદેશનાં પૂર્વ મુખ્ય પ્રધાન કમલ નાથ, છત્તીસગઢનાં મુખ્ય પ્રધાન ભૂપેશ બધેલ, પ્રવકતા રણદીપ સૂરજેવાલ, પવન ખેડા, મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ, તુષાર ચૌધરી, શંકરસિંહ વાઘેલા, અમિત ચાવડા, પરેશ ધાનાણી, હાર્દિક પટેલ, મધુસુદન મિસ્ત્રી, સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડીયા વગેરે હાજર રહ્યાં હતાં.
મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોરથી નિધન
કોંગ્રેસના પથદર્શક મનાતા રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના લાંબા સમયથી રાજકીય સલાહકાર એવા વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું ૨૫ નવેમ્બરે પરોઢિયે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં નિધન થયું હતું. અહેમદ પટેલ ૭૧ વર્ષના હતા. પુત્ર ફૈઝલ પટેલે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે અત્યંત દુઃખ સાથે હું જાહેર કરું છું કે, મારા પિતા અહેમદ પટેલનું ૨૫ નવેમ્બર ૨૦૨૦ના રોજ વહેલી સવારે ૩.૩૦ કલાકે નિધન થયું છે. એક મહિના પહેલાં કોરોનાથી સંક્રમિત થયા પછી મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોરનાં કારણે તેમની સ્થિતિ વધુ વણસી હતી. ફૈઝલે તમામ શુભેચ્છકો અને પ્રશંસકોને મોટી સંખ્યામાં એકઠાં નહીં થવા અને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાની અપીલ કરી હતી.
ગત ૧ ઓક્ટોબરના રોજ અહેમદ પટેલે જાહેર કર્યું હતું કે, હું કોરોનાથી સંક્રમિત છું તેથી છેલ્લા કેટલાક દિવસથી મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને સેલ્ફ આઇસોલેશનમાં રહેવાની અપીલ કરું છું. આ પછી પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન્સના કારણે ૧૫મી નવેમ્બરના રોજ અહેમદ પટેલને ગુરુગ્રામ ખાતે આવેલી મેદાંતા હોસ્પિટલના આઇસીયુમાં સારવાર માટે દાખલ કરાયા હતા.
કોંગ્રેસના ક્રાઇસિસ મેનેજર
અહેમદ પટેલ ગાંધી પરિવારના અત્યંત વફાદાર સહયોગી હતા. તેઓ કોંગ્રેસ અને તેની સહયોગી પાર્ટીઓ વચ્ચે જ નહીં, પરંતુ પાર્ટી અને મનમોહનસિંહ સરકાર વચ્ચે પણ મહત્ત્વની કડી સમાન કામગીરી કરતા હતા. છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી પટેલ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર રહ્યા હતા. જો પ્રણવ મુખરજી કોંગ્રેસના ટ્રબલ શૂટર હતા તો અહેમદ પટેલ પાર્ટીના ક્રાઇસિસ મેનેજર હતા. પરદા પાછળ રહીને ઘણી કટોકટીનો ઉકેલ લાવી આપ્યો હતો.
ગાંધી પરિવારના વિશ્વાસપાત્ર સૈનિક
૧૯૭૭માં જ્યારે કટોકટીના અંતની જાહેરાત કરવામાં આવી ત્યારે તત્કાલીન વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ ચૂંટણીઓમાં ભરૂચના એક યુવાનને લોકસભાની ટિકિટ આપી. તે સમયે જનતા પાર્ટીની દેશવ્યાપી લહેરને પગલે કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા છતાં આ યુવાન કોંગ્રેસી ભરૂચ બેઠક જીતી ગયો. આ યુવાન બીજું કોઈ નહીં, પણ અહેમદ પટેલ હતા. ત્યારથી ગાંધી પરિવારના વિશ્વાસપાત્ર કોંગ્રેસી સૈનિક બની ગયા હતા અહેમદ પટેલ. જ્યારે રાજીવ ગાંધીએ કમાન સંભાળી ત્યારે પણ અહેમદ પટેલ રાજીવ ગાંધીની પડખે રહ્યા હતા. રાજીવ ગાંધીની હત્યા બાદ સોનિયા ગાંધીએ પણ કોંગ્રેસની બાગડોર સંભાળી ત્યારે તેમને પૂરતો સાથ-સહકાર અને સલાહ આપવાનું કામ અહેમદ પટેલે કર્યું હતું. રાહુલ ગાંધી પણ જ્યારે કોંગ્રેસમાં સક્રિય થયા અને સુકાન સંભાળવા સજ્જ થયા ત્યારે પણ અહેમદ પટેલે જ તેમને પીઠબળ અને માર્ગદર્શન પૂરા પાડયા હતા. કોંગ્રેસમાં સૌથી મોટું કદ ધરાવતા ગાંધી પરિવારની ત્રણ પેઢીના માર્ગદર્શક બની રહેવું કોઈ પણ નેતા માટે અઘરું કામ અહેમદ પટેલે સિદ્ધ કરી બતાવ્યું હતું.
કિંગ નહીં, પણ કિંગમેકર
૧૯૭૭, ૧૯૮૦ અને ૧૯૮૪માં લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. ૧૯૯૩થી સતત પાંચ વખત રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ તમામ સફળતાઓ વચ્ચે તેમણે ક્યારેય કોઈ પદ સ્વીકાર્યું નહોતું. તેમને મુખ્ય પ્રધાન કે અન્ય કોઈ પ્રધાન બનવામાં રસ નહોતો. તેઓ સંગઠન સાથે જોડાઈને પડદા પાછળની સક્રિય રાજનીતિમાં માનતા હતા. તેમને કિંગ બનવા કરતાં કિંગમેકર બનવામાં વધારે રસ હતો. એક સમયે નરસિંહ રાવે પણ તેમને પ્રધાનમંડળમાં સ્થાન આપવાની ઓફર કરી હતી છતાં તેમણે ફગાવી દીધી હતી. મનમોહન સિંહના કેબિનેટની રચના હોય કે ૨૦૦૯માં કોંગ્રેસની સૌથી વધુ મત સાથે વાપસી હોય અને ત્યારબાદ પ્રધાનમંડળની રચના હોય, તેમની ભૂમિકા તમામ સ્તરે અત્યંત મહત્ત્વની હતી.
પિરામણ ગામ સાથે અનોખો નાતો
તેઓ પિરામણથી દિલ્હી સુધી પહોંચ્યા છતાં પણ તેમને પિરામણ સાથે અનોખો સંબંધ જળવાયો હતો. તેઓ દિલ્હીથી અવારનવાર પિરામણ ગામે આવતા ત્યારે કાર્યકરો સાથે તેમજ ગ્રામજનો સાથે મુલાકાત કરીને તેમની મુશ્કેલીઓ અંગે ચર્ચા કરતા હતા. તેમજ તેનું નિરાકરણ લાવવા માટે પણ જરૂરી પગલાં લેતા હતા. તેમણે નર્મદા જિલ્લાના દેડિયાપાડાના વાંદરી ગામ સાંસદ ગ્રાન્ટ યોજના અંતર્ગત દત્તક લઈ વિકાસ કર્યો હતો.
ગામના લોકો માટે હતા બાબુભાઈ
પિરામણ ગામમાં નાના હોય કે મોટા દરેક અહેમદ પટેલને બાબુભાઇના હુલામણા નામથી જાણતા હતા. તેઓ માત્ર પિરામણ કે અંકલેશ્વર નહીં, ભરૂચ જિલ્લાના લોકલાડીલા નેતા હતા. નાના હોય કે મોટા, પાર્ટીના હોય કે ન હોય તમામ તેમને અહેમદભાઇ કે બાબુભાઇ કહીને જ સંબોધતા હતા. રાજકારણની પીચ ઉપર રેકોર્ડ બનાવનારા અહેમદ પટેલ ક્રિકેટના પણ એટલા જ શોખીન હતી. એક સમયે તેઓ અંકલેશ્વર જીમખાનાના કેપ્ટન તરીકે પણ ક્રિકેટ રમતા હતા.