વાપીઃ આધુનિક ટેક્નોલોજીના આ સમયમાં કેટલીક જ્ગ્યાએ હજી પણ અંધશ્રદ્ધાની ઘટના જોવા મળે છે. આવો એક કિસ્સો પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ગામે બન્યો છે. મોગરાવાડીના એક પરિવારને સોના મહોર ભરેલા ચરુના સ્વપ્ન આવતા તે પરિવારે કોઈક તાંત્રિકને દેખાડયું હતું. આ સમયે તાંત્રિકે તે ચરુ પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ગામે હોવાનું અને અઢી ટન સોનું હોવાનું કહ્યું હતું. આ સાથે સ્મશાન પાસે તાંત્રિકવિધિ કરવી પડશે તેવું પણ જણાવતા તે પરિવારે ઉમરસાડી માછીવાડના એક સ્થાનિક રહીશને લાલચ આપી સાથે રાખી ગત સપ્તાહે એક રાત્રિના ગામના સ્મશાનમાં આઠ ફૂટ ઊંડો ખાડો ખોદી કાઢયો હતો. જે બાદ મધ્યરાત્રીએ તાંત્રિકે વિધિ શરૂ કરી હતી. દરમિયાનમાં આ વાતની જાણ ગ્રામજનોને થઈ હતી અને મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ સ્મશાને પહોંચ્યા હતા અને ખાડો ખોદી તાંત્રિક વિધિ કરી રહેલા પાંચ લોકોને પકડીને માર્યા હતા. જોકે, પછી ચાર જણા ભાગી ગયા હતા અને એક શખસ પકડાઇ જતાં તેને પારડી પોલીસને હવાલે કર્યો હતો. બાદમાં પોલીસે તેનો જવાબ લઇ તેને મુક્ત કર્યો હતો.