બીલીમોરા: ગણદેવી તાલુકાના મેઘરમાં રહેતા પાંચ ખલાસીઓ અબુધાબીમાં માછીમારી કરવા ગયા હતા. આ બોટના માલિકે પાંચ ખલાસીઓને મહેનતાણુ નહીં આપી પરત પણ નહીં ફરવા દેતા દયનીય સ્થિતિમાં મુકાયેલા અને ફસાયેલા ખલાસીઓને પરત લાવવા પરિવારજનોએ સાંસદ સી આર પાટિલની મદદ માગી હતી. જેમાં સાંસદ સહિત વિદેશ પ્રધાને મધ્યસ્થી કરતા ફસાયેલા ખલાસીઓ માદરેવતન હેમખેમ પાંચમીએ પરત થયા હતા.
મેઘરના પાંચ ખલાસીઓ મગન રામજી ટંડેલ, દિનેશ રામજી ટંડેલ, ચંપક કાનજી ટંડેલ, રાજેશ કાંતિ ટંડેલ અને રાજેશ ગૌરીશંકર ટંડેલ યુએઇની અલહસીબની ફિશિંગ બોટ ઉપર માછીમારી કરવા ગયા હતા, પણ ત્યાં સિઝન પૂરી થયા છતાં ખલાસીઓને બોટમાલિકે પરત ફરવા દીધા ન હતા, અને મહેનતાણું પણ ચૂકવ્યું ન હતું. જેથી આ ખલંસાઈ દયનીય સ્થિતિમાં ફસાયા હતા. પાંચેય ખલાસીઓના પાસપોર્ટ પણ બોટ માલિકે નહીં આપતા કફોડી હાલતમાં મુકાયેલા ખલાસીઓએ પોલીસનો સહારો લીધો હતો. જોકે પાસપોર્ટ પછીથી મેળવતાં તેમણે ટિકિટની વ્યવસ્થા કરી સ્વદેશ ફરી રહ્યા હતા ત્યારે આ પાંચ ખલાસીઓ ઉપર બોટમાલિકે ખોટા કેસ કરી દેતા તેઓને ઇમિગ્રેશન સર્ટિફિકેટ ન મળવાથી તેઓ સ્વદેશ ફરી શક્યા ન હતા. જેથી પરિજનોમાં ચિંતા ફેલાઈ હતી અને સાંસદ તથા વિદેશ પ્રધાન પાસે ભલામણ કરાઈ હતી. એ પછી યુઇએ સ્થિત ભારતીય દૂતાવાસના સંપર્કથી ખલાસીઓનો સ્વદેશ ફરવાનો માર્ગ સરળ બન્યો હતો.