રાજપીપળા, ડેડીયાપાડાઃ દેડિયાપાડામાં BTPએ ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવા ૨૬મી જાન્યુઆરીએ સભા યોજી હતી. જેમાં BTPના રાષ્ટ્રીય મહાસચિવ, નર્મદા જિલ્લા પ્રમુખ અને નર્મદા જિલ્લા પંચાયત કારોબારી ચેરમન મહેશ વસાવાએ, આદિવાસીઓની કુળદેવીને દારૂનો નૈવેદ ધરાવી વિવાદાસ્પદ નિવેદનો કરતાં રોષ ફાટ્યો હતો. બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ સભામાં કહ્યું હતું કે, ઇકો સેન્સિટિવ ઝોનની ૦૬ એન્ટ્રી ગ્રામસભામાં રદ કરવામાં આવી છે તે હંગામી છે. ભવિષ્યમાં ઇકો સેન્સિટિવ ઝોન અમલમાં મુકાશે જ. સરકારને ચેતવણી આપતાં એમણે જણાવ્યું હતું કે, તમે પોલીસ બોલાવો કે મિલિટરીને પણ અમે આદિવાસીઓના વિસ્તારમાં બહારના લોકોને કોઈ પણ ભોગે આવવા નહીં દઈએ. જે લોકો આદિવાસીઓને છેતરશે કે છેડશે અમે તેને છોડીશું નહીં. તમે બંદૂક ઉઠાવશો તો અમે તીર કામઠાં ઉઠાવીશું.
ટાઈગર જિન્દા હૈ, ઓર અબ જાગ ગયા હૈ. સરકારે અમારું બહુ લોહી પીધું છે હવે અમારો વારો છે અમે પણ એમનું લોહી પીવામાં કચાશ નહીં રાખીએ.
દેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડમાં મહેશ વસાવા ઉપરાંત જિલ્લાના બીટીપીના અગ્રણીઓ અને સભાની ઉપસ્થિતિમાં સૌ પ્રથમ આદિવાસી સમાજની કુળદેવી યા મોગી માતાને દારૂનો નૈવેદ ધરાવ્યા પછી બેફામ નિવેદનથી વિવાદમાં સપડાયા છે. મહુડાના દારૂનો નૈવદ પરંપરા મુજબ ચઢાવાય છે. તેઓ સમાજના રીત રિવાજોનું પાલન કરે છે એમ જિલ્લા પંચાયત નર્મદાના કારોબારી ચેરમેને જણાવ્યું હતું.
વસાવાના નિવેદનથી વિવાદઃ આદિવાસીઓ હિંદુ નથી, ઇતિહાસ જુઓ તો બ્રાહ્મણો પણ હિંદુ નથી
કેવડિયા કોલોનીઃ ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ હિંદુ ધર્મ વિરુદ્ધ એક વિવાદિત નિવેદન આપતાં ખળભળાટ મચ્યો છે. બીજી તરફ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ એમને સણસણતો જવાબ આપ્યો છે.
ઝઘડિયાના ધારાસભ્ય અને બીટીપી નેતા છોટુભાઈ વસાવાએ ૩૧મી જાન્યુઆરીએ જણાવ્યું હતું કે, ઈકો સેન્સિટિવ ઝોન અને ગામડાંના લોકોને રોજગારી એ આગામી ચૂંટણીમાં અમારો મુખ્ય મુદ્દો હશે. સરકાર આદિવાસીઓ અને મુસ્લિમોને માણસ ગણતી જ નથી એટલે જ માનવતાના આધારે BTP-AIMIMનું ગઠબંધન થયું છે. જો સરકાર આદિવાસીઓને હિંદુ ગણતા હોય તો અમને શિડયુલ ૫-૬ આપી દેવા જોઈએ.
દેશના આદિવાસીઓ હિંદુ છે એવું જો ભાજપ માનતું હોય તો મગજમાંથી કાઢી નાંખે, આદિવાસીઓ હિંદુ છે જ નહીં અને જો ઈતિહાસ જુઓ તો બ્રાહ્મણો પણ હિંદુ નથી. હિંદુ ધર્મની સ્થાપના કોણે અને ક્યારે કરી એ અમને બતાવો? છોટુભાઈ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી પાસે મુસ્લિમ, આદિવાસી અને ઓબીસીના મત છે એ મત ભેગા કરી અમે ચૂંટણી લડીશું. ભાજપ મુસ્લિમ, આદિવાસી અને ઓબીસીમાં ભાગલા પડાવી રહ્યું છે. AIMIMના અસદુદ્દીન ઓવૈશીને ગુજરાતમાં આવતા કોઈ રોકી શકે નહીં, આ નરેન્દ્ર મોદીનો દેશ નથી મોદી તો ૫ વર્ષ દેશના ફ્ક્ત ટ્રસ્ટી છે.
આ મુદ્દે આદિવાસી સમાજના અગ્રણી અને બીજેપીના સિનિયર લીડર ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, આદિવાસી હિંદુ હતા છે અને રહેશે. આદિવાસી આદિ - અનાદી કાળથી હિંદુ છે. શબરી માતા આદિવાસી હતા એમણે હિંદુ દેવ શ્રી રામની ભક્તિ ઉપાસના કરી હતી.