અમને બચાવો, ઉમરગામના ૩૪૦ યુવકની કાકલૂદી

Tuesday 03rd March 2020 05:30 EST
 

ઉમરગામ: ઉમરગામ તાલુકા સહિત અન્ય રાજયોના ૩૪૦ યુવકો કોરોના વાઇરસને કારણે ઈરાન અને ભારત વચ્ચે ફ્લાઈટ રદ કરાતા અટવાતા મુશ્કેલીમાં મુકાયા છે. યુવકોએ વીડિયો વાઇરલ કરી મદદ માગી છે. સ્થાનિકોનાં કહેવા પ્રમાણે, ઉમરગામ તાલુકાના મરોલી (ભાત ખાડી), ધોડીપાડા કલગામ વગેરે વિસ્તારમાંથી માછીમારી કરીને પેટિયું રળવા ઈરાન ગયેલા ૩૪૦ જેટલા લોકો તથા તમિલનાડુના કેટલાક લોકો ઈરાનના ચીરૂ બંદર ખાતે ફસાયા હોવાનું જાણવા મળે છે.
યુવકોએ વીડિયો વાયરલ કરતાં આફતમાં અટવાયેલા યુવકના પરિજનોએ ઉમરગામના ધારાસભ્ય તેમજ રાજ્યના વન અને આદિજાતિ પ્રધાન રમણલાલ પાટકરને સમગ્ર ઘટનાની જાણ કરી છે. રમણ પાટકરે કેન્દ્રમાં સંબંધિત વિભાગને ઈરાનમાં અટવાયેલા ૩૪૦ ભારતીય નાગરિકોને વતન પરત લાવવા જરૂરી મદદ પૂરી પાડવા ઇ-મેલથી જાણ કરી છે. ફસાયેલા યુવાનો પૈકી બહુધા યુવાનો ગુજરાત તેમજ ઉમરગામ તાલુકાથી માછીમારી વ્યવસાય માટે ગયેલા હોવાનું જાણવા મળે છે.
ઉમરાહ યાત્રા પર પ્રતિબંધ
સાઉદી આરબે કોરોના વાઈરસ ફેલાવાની આશંકાને કારણે ઉમરાહ અને પયગંબર મસ્જિદમાં ઝિયારત માટે આવી રહેલા શ્રદ્ધાળુઓ પર પ્રતિબંધ મૂક્યો છે. અરબ ન્યૂઝના જણાવ્યા મુજબ સાઉદી વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, મક્કા અને મદિના આવનારા લોકો પર હંગામી રીતે પ્રતિબંધ મુકાયો છે. મંત્રાલયનું કહેવું છે કે ગલ્ફ દેશોના નાગરિકોને પણ આ નિયમ લાગુ પડશે. કોરોનાના ચેપની આશંકાને કારણે વિઝિટર વિઝા પર પણ પ્રતિબંધ મુકાયો છે. આ ઉપરાંત શ્રદ્ધાળુઓને તુર્કીનો બિનજરૂરી પ્રવાસ નહીં કરવાની પણ સલાહ આપવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter