ભરૂચઃ મધ્ય પ્રદેશના અમરકંટકથી નીકળીને ૧૬૧ કિમી વહી ગુજરાતમાં દરિયાને મળતી નર્મદાની દશા દયનીય છે. ગરુડેશ્વરથી ભાડભૂત સુધીના વિસ્તારમાં રોજના ૪૦૦૦ ક્યુસેક પાણીની જરૂર હોય છે. તેની સામે માત્ર ૬૦૦ ક્યુસેક પાણી છોડાય છે. નર્મદા ડેમમાંથી નીચાણવાસમાં પણ પૂરતું પાણી છોડાતું નથી અને નદીનો પટ સફેદ રણમાં ફેરવાઈ ગયેલો લાગે છે. ડેમમાંથી રોજ છોડાતું ૬૦૦ ક્યુસેક પાણી વરાળ બનીને ઊડી જાય છે. કબીરવડની હાલત પણ એવી જ છે. ભરૂચ તાલુકાના નાંદ ગામથી ભાડભૂત સુધી નદીના પાણીના ટીડીએસમાં ૪૦ ગણો વધારો થયો છે. પાણી પીવાલાયક રહ્યું નથી. ક્લોરાઈડનું પ્રમાણ પણ ચિંતાજનક હદે વધી રહ્યું છે.
માછલીની ૨૮ પ્રજાતિ નામશેષ
નર્મદા નદીમાં ડેમમાંથી પાણી છોડવામાં નહિ આવતાં ડાઉન સ્ટ્રીમમાં નદીને દરિયો ભરખી ગયો છે. દરિયાના પાણીમાંથી નદીમાં પ્રજનન માટે આવતી હિલ્સા માછલીની સંખ્યા ઘટી છે અને માછલીની ૨૮ પ્રજાતિ નાશ પામી છે.