ગાંધીનગરઃ રાજ્યમાં સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ હેઠળ પ્રથમ વખત કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચનાથી ૧૨મી નવેમ્બરે ધોરડો ટેન્ટ સિટીમાં ખાતે એક હજાર જેટલા લોકોનું સંમેલન યોજવા તડામાર તૈયારીઓ શરૂ થઈ છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય ગ્રામ વિકાસ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર, કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ, બીએસએફના વડા અધિકારીઓ ઉપરાંત મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, મુખ્ય સચિવ અનિલ મુકિમ, ગૃહ વિભાગનો હવાલો સંભાળતા અધિક મુખ્ય સચિવ પંકજકુમાર હાજર રહેવાના અહેવાલ છે.
રાજ્યના સરહદી વિસ્તારમાં કચ્છ જિલ્લાના ૧૦૬, પાટણના ૩૫ અને બનાસકાંઠા જિલ્લાના ૧૭ મળીને કુલ ૧૫૮ ગામો સમાવિષ્ટ છે. આ વિસ્તરના સરપંચો, આગેવાનો, જિલ્લા-તાલુકા પંચાયતોના સદસ્યો અને સ્થાનિક લોકો મળીને એક હજાર જેટલા માણસોને ૧૨મીએ ધોરડોમાં સવારે ૧૧થી બપોરે ૨ વાગ્યા સુધી ચાલનાર કાર્યક્રમમાં એસટી બસો દ્વારા લાવવા-લઈ જવા આયોજન થઈ રહ્યું છે.
રાજ્ય સરકારના ૪૦ ટકા અને કેન્દ્રના ૬૦ ટકા ખર્ચની હિસ્સેદારીમાં ચાલતા સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ હેઠળ ખાસ કોઈ ખર્ચ થતો નથી, ત્યારે અગાઉ ક્યારેય આ રીતે લોકસંમેલનનું આયોજન નહીં થયું હોવાથી આશ્ચર્ય સર્જાયું છે. કોરોના મહામારીની સ્થિતિમાં કેન્દ્રની સૂચનાથી વિશાળ જનસંખ્યામાં આ વખતે પહેલીવાર સંમેલન યોજવાનું નક્કી થતાં ચિંતાનું પણ વાતાવરણ છે. આ સંમેલનમાં શિક્ષણ, રસ્તા, આરોગ્ય જેવા સરહદી વિસ્તારોના વિકાસના પ્રશ્નો ચર્ચાશે એમ પણ જણાવાઈ રહ્યું છે.