નવસારીઃ વિદેશવાસી એક પુત્રીએ પિતાના નિધનની જાણ થતાં જ વતન પહોંચીને તેમના અંતિમ સંસ્કાર કરીને બીજા લોકોને પ્રેરણા આપી છે.
અખબારી અહેવાલમાં જણાવ્યા મુજબ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના વાંઝણા ગામના વતની ૬૫ વર્ષીય સુરેશભાઈ રણછોડભાઈ પટેલ એન્જિનિયરીંગનો અભ્યાસ લંડનમાં કરી સ્થાનિક સ્ટેન્ડસ્ટેડ એરપોર્ટ ઉપર ફરજ બજાવી નિવૃત્ત થયા હતા. તેઓ બાકીનું જીવન પોતાના માતા-પિતા સાથે વિતાવવા પાંચ વર્ષથી વાંઝણા આવીને વસ્યા હતા.
તેઓ ખેતીને પ્રાથમિકતા આપીને શિક્ષણના ફાયદો લઇને આધુનિક ખેતી વિક્સાવી પ્રવૃત્તિમય રહેતા હતા. થોડા સમયથી તેમની તબિયત નાદુરસ્ત થતા ૧ ઓગસ્ટે તેમનું નિધન થયું હતું. આ સમાચાર જાણ તેમની એકની એક દીકરી તુલસીબહેનને થઇ હતી. તેઓ લંડનમાં ઉચ્ચ અભ્યાસ કરી અમેરિકામાં પરિવાર સાથે સ્થાયી થયા છે.
તુલસીબહેને તરત જ પોતાના પિતાના અગ્નિસંસ્કાર પોતાના હસ્તે જ કરવાનું વતનમાં સગાં-સંબંધીઓને જણાવ્યું હતું. આથી સુરેશભાઈના પાર્થિવ દેહને ત્રણ દિવસ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો. તુલસીબહેન તેમના બે વર્ષના પુત્રને અમેરિકા મુકી વાંઝણા ગામે આવી પિતાને કાંધ આપી સ્મશાનમાં અગ્નિદાહ પણ આપ્યો હતો. સ્થાનિક લોકોએ એક દીકરી તરીકેની તુલસીબહેનની ફરજને બિરદાવી હતી.