વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને અમિત શાહ સુધીના નેતાઓએ અહેમદ પટેલના નિધન પર ભારે દુઃખ વ્યક્ત કર્યું છે. રાષ્ટ્રપતિથી લઇને રાજ્યોના મુખ્ય પ્રધાનો, મહાનુભાવો, નેતાઓ, સેલિબ્રિટીસે અહેમદ પટેલને શ્રદ્ધાંજલી આપી હતી.
• કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવાની ભૂમિકામાં અહેમદ પટેલનું જે યોગદાન છે તે હંમેશા યાદ રખાશે, અહેમદ પટેલના નિધનથી હું બહુ જ દુઃખી છું. તેઓએ જાહેર જીવનમાં એક લાંબા સમય સુધી લોકોની સેવા કરી. તેજ દિમાગને કારણે પોતાની વિશેષ ઓળખ ધરાવતા અહેમદ પટેલે કોંગ્રેસને મજબૂત બનાવવામાં જે ભૂમિકા નિભાવી છે તેને હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના પુત્રની સાથે વાત કરી અને મારી સંવેદનાઓ વ્યક્ત કરી. અહેમદભાઇના આત્માને શાંતિ મળે. - નરેન્દ્ર મોદી, વડા પ્રધાન
• કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવાની સાથે જ જાહેર જીવનમાં પણ તેમણે મોટુ યોગદાન આપ્યું, અહેમદ પટેલના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. અહેમદ પટેલજીનું કોંગ્રેસ પાર્ટી અને જાહેર જીવનમાં બહુ જ મોટુ યોગદાન રહ્યું છે. હું દુઃખના આ સમયમાં તેમના પરિવારજનો અને સમર્થકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ઇશ્વર દિવંગત આત્માને શાંતિ પ્રદાન કરે. - અમિત શાહ, ગૃહ પ્રધાન
• અહેમદ પટેલ એક નિષ્ઠાવાન સહયોગી અને મિત્ર હતા કે જેનું સ્થાન કોઇ ન લઇ શકે. શ્રી અહેમદ પટેલના જવાથી મેં એવા સહિયોગી ગુમાવી દીધા છે કે જેનું આખુ જીવન કોંગ્રેસને સમર્પિત હતું. તેમની નિષ્ઠા, સમર્પણ, પોતાના કર્તવ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા, મદદ માટે હંમેશા હાજર રહેવું અને શાલીનતા... કેટલીક એવી ખુબી હતી કે જે તેમને અન્યોથી અલગ કરતી હતી. તેમનું સ્થાન કોઇ ન લઇ શકે તેવા મિત્ર ગુમાવ્યા છે. - સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ
• અહેમદભાઈ એક એવા આધારસ્તંભ હતા જે સૌથી મુશ્કેલ સમયમાં પાર્ટીની સાથે ઊભા હતા. આ દુઃખનો દિવસ છે. અહેમદ પટેલ કોંગ્રેસ પાર્ટીના સ્તંભ હતા. તે બહુ મોટી મૂડીસમાન હતા. અમને તેમની કાયમ ખોટ સાલશે. તેમના પરિવાર પ્રત્યે મારો સ્નેહ અને સંવેદના છે. - રાહુલ ગાંધી
• અહેમદભાઈની કોંગ્રેસ પ્રત્યેની પ્રતિબદ્ધતા, સેવા અસીમિત હતી. પક્ષમાં તેમનું યોગદાન ભૂલી શકાય તેમ નથી. - પ્રિયંકા ગાંધી
• સ્વ. અહેમદભાઈના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું. કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવામાં તેમની ભૂમિકા અને તેમના સામાજિક કાર્યો હંમેશાં યાદ રહેશે. - વિજય રૂપાણી, મુખ્ય પ્રધાન
• આદરણીય અહેમદ પટેલ સાહબ કી ખબર સુની, હમ ચાહતે થે કી વો સ્વસ્થ હો જાય ઔર પુનઃ રાષ્ટ્ર સેવા મેં લગ જાયે, લેકિન માલિક કા નિર્ણય કૌન બદલ શક્તા હૈ, મેરે પરમ સ્નેહી પટેલ સાહબ કો મેરી શ્રદ્ધાંજલિ ઔર પરિવારજનોં કો દિલસોજી પ્રેષિત કર રહા હું. રામ સુમિરન મેં સદા. - મોરારિબાપુ