અહો..! આશ્ચર્યમ્: બકરીએ માણસ જેવો ચહેરો ધરાવતા બચ્ચાને જન્મ આપ્યો

Sunday 18th April 2021 05:40 EDT
 
 

વ્યારાઃ સોનગઢના સેલ્ટીપાડા ગામે બકરીએ માણસ જેવો ચહેરો ધરાવતા બચ્ચાને જન્મ આપ્યાની ઘટના સામે આવી હતી. આ બકરીનું બચ્ચું અડધું પ્રાણી જેવું તો અડધું માણસ જેવું લાગી રહ્યું હતું. જોકે આ બચ્ચું લાંબુ જીવી શક્યું ના હતું. માણસનો ચહેરો ધરાવતું બકરીનું બચ્ચું જન્મ્યાની વાત પ્રસરતા આસપાસના ગામના લોકો તેને જોવા ઉમટી પડ્યાં હતા. આ બચ્ચાની ગ્રામજનોએ વિધિવત્ રીતે પૂજા કરી સમગ્ર બાબતને શ્રદ્ધાનો વિષય બનાવી દીધો હતો. જોકે, આ બનાવને લઈ સમગ્ર ગામમાં કૂતુહલતા જોવા મળી હતી.
આ સમગ્ર બાબતની વૈજ્ઞાનિક ઢબે તપાસ થાય કે પશુ ચિકિત્સકને જાણ કરાય એ પહેલા જ બચ્ચું મૃત્યું પામ્યું હોવાથી વહીવટી તંત્ર પણ આ અજૂગતી ઘટનાથી અજાણ હતું. સોનગઢ તાલુકાના જૂની સેલ્ટીપાડા ગામે સાતકાશી ફળિયામાં રહેતા ખેડૂત અજીતભાઈ કાંતિભાઈ વસાવા પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા હોય તેમણે ત્યાં ત્રણ બકરી પૈકીની એક બકરીએ સાતમી એપ્રિલે બચ્ચાને જન્મ આપ્યો હતો. આ બકરીનું બચ્ચું જન્મતાની સાથે જ નાના બાળકની જેમ જોર જોરથી રડવા લાગ્યું હતું. આ ખેડૂતે પોતાના પરિવાર સાથે મળી આ બચ્ચાની ખુબ જ શ્રદ્ધાપૂર્વક પૂજાવિધિ સાથે એક માનવીની જેમ અંત્યેષ્ઠિ કરી હતી. આ આશ્ચર્યજનક ચહેરા સાથે સવારે ૭.૩૦ વાગ્યાના અરસામાં જન્મેલ આ બચ્ચા વિશે આ ખેડૂત કોઈને કંઈ પુછે એ પહેલાં માત્ર ૧૦ મિનિટમાં જ તેનું મોત થયું હતું. આ બકરીના બચ્ચાને પગ તો ચાર હતા જ્યારે ચહેરો માણસ જેવો હતો. માત્ર પગ અને કાન બકરા જેવા, જ્યારે બાકીનું શરીર માણસ જેવું દેખાતું હતું. આ માણસ જેવો ચહેરો ધરાવતા બકરીના બચ્ચા વિષે સોનગઢના પશુ ચિકિત્સકે જણાવ્યું હતું કે, લાખો કેસમાં આવું એક વાર બનતું હોય છે. જિનેટિકલી સમસ્યાને કારણે આવું શક્ય બને છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter