વાપીઃ વિશાખાપટ્ટનમમાં એક ખાનગી કંપનીના પ્લાન્ટ ગેસ ગળતરની ઘટના બની હતી. જેથી ગુજરાતના વાપી સ્થિત એક ખાનગી કંપનીમાં ઉત્પાદિત થતા કેમિકલની જરૂરિયાત ઊભી થઈ હોવાથી તાજેતરમાં આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાને ગુજરાતના મુખ્ય પ્રધાનને આ કેમિકલ તાત્કાલિક મળી જાય તેમ મોકલી આપવાની મદદ ટેલિફોનથી માગી હતી. જેથી ગુજરાતે ઝેરી ગેસની અસર ન્યુટ્રલાઇઝ કરવા ૫૦૦ કિ.ગ્રા. પીટીબીસી કેમિકલ તુરંત જ આંધ્ર પ્રદેશ મોકલી આપ્યું હતું. ગુજરાતના મુખ્ય પ્રધાન રૂપાણીએ ઉદ્યોગ અગ્રસચિવને સૂચના આપતાં ઉદ્યોગ અગ્રસચિવ મનોજ દાસે વલસાડ કલેકટરને સૂચના આપી કેમિકલ આંધ્ર પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. હાલની સ્થિતિમાં કોઇ અડચણ આવે નહીં તેટલા માટે કેમિકલને વાપીથી દમણ એરપોર્ટ સુધી પહોંચાડી ત્યાંથી એરકાર્ગોથી આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ મોકલવાની વ્યવસ્થા કરાઈ હતી તેવું મુખ્ય પ્રધાનના અગ્રસચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ પીટીબીસી કેમીકલ માત્ર ગુજરાતમાં જ ઉત્પાદિત થાય છે.