દાંડીઃ આઝાદીના રંગે રંગાયેલું જલાલપોર તાલુકાનું મટવાડ ગામ એક ઐતિહાસિક ગામ છે. ૨૨મી ઓગસ્ટ ૧૯૪૨ના દિવસે એટલે કે ૭૫ વર્ષ અગાઉ આઝાદીની આખરી લડાઇ મટવાડ ગામની ધરતી ઉપર કાંઠા વિસ્તારની જનતા અને પાંચ બંદૂકધારી બ્રિટિશ પોલીસ વચ્ચે ખેલાય હતી. જેમાં બ્રિટિશ પોલીસે વડલાની ઓથે સંતાઇને કરેલા ૩૨ રાઉન્ડ ગોળીબારમાં કાંઠા વિસ્તારના ત્રણ નવલોહીયા યુવાનો શહીદ થયા હતા. આ ઐતિહાસિક વડલો આજે પણ મટવાડ ગામમાં અડીખમ ઊભો છે. મટવાડમાં ૫૧ સ્વાતંત્ર્યસેનાનીઓ હતા. જોકે આજે એક પણ સ્વાતંત્ર્યસેનાની હયાત નથી. મટવાડની હાલની વસતી આશરે ૨૭૦૦ છે. અહીં કોળી પટેલ, આહીર, માહયાવંશી, હળપતિ તથા મુસ્લિમ લોકો વસે છે. ગામમાં સૌથી વધુ વસ્તી કોળી પટેલની છે. આ ગામના લોકો અમેરિકા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ તથા આફ્રિકા જેવા દેશોમાં નોકરી ધંધાર્થે સ્થાયી થયા છે. ગામના યુવાનો ખાસ કરીને નોકરી અર્થે અખાતના દેશોની સફર કરે છે. કેટલાક લોકો ખેતી પશુપાલન સાથે પણ જોડાયેલા છે. ગામના મહત્તમ રસ્તાઓ સિમેન્ટ કોંક્રીટ કે ડામરની સપાટી વાળા છે. ગામમાં શિક્ષણની સુવિધા માટે બે પ્રાથમિક શાળા તથા ત્રણ આંગળવાડીઓ આવેલી છે. હાલ ગામમાં અંદાજિત ૧૮ કરોડ રૂપિયાના ખર્ચે સરકારી પોલીટેકનિક કોલેજનું નિર્માણ થઇ રહયું છે. આરોગ્ય સેવા માટે વર્ષોથી સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. બેંક કે પોસ્ટ ઓફિસની સુવિધા પણ ગામમાં ઉપલબ્ધ છે. રમત ગમત માટે ટર્ફ વિકેટ ધરાવતું ક્રિકેટ મેદાન પણ ગામમાં ઉપલબ્ધ છે.