દાહોદઃ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડામાં ૧૫મી માર્ચે ગોળ ગધેડાનો મેળો યોજાયો હતો. દાહોદ જિલ્લાના લોકો સહિત આસપાસના રાજ્યોનાં લોકો આ મેળો મહાલવા ઉમટી પડયા હતા. પ્રાચીનકાળમાં આદિવાસી સ્વયંવર પ્રથાને ઉજાગર કરતા આ વિશ્વ પ્રસિદ્ધ ગોળ ગધેડાના મેળમાં આજે પણ પોતાની સંસ્કૃતિ જાળવવામાં આવે છે.
આ મેળામાં સીમળાના થડને છોલીને એકદમ લીસ્સું બનાવાય છે અને તેને જમીનમાં રોપવામાં આવે છે. આશરે ૨૫થી ૩૦ ફૂટ ઉંચા થડની ટોચે ગોળની થેલી લટકાવાય છે. આદિવાસી કુંવારિકાઓ હાથમાં નેતરની સોટી લઈને ઢોલના તાલે લોકગીતો ગાતી અને નાચતી આ થડની આજુબાજુ ગોળ ફરે છે. કુવારિકાની નજર ચૂકવીને યુવાનો થાંભલા પર ચડવાનો પ્રયત્ન કરે છે.
થાંભલાની આજુબાજુ ગોળ ફરતી યુવતીઓ યુવાનોને સોટીના માર મારી ઉપર ચડતા રોકે છે. કહેવાય છે કે, જે યુવાન થાંભલા પર ચડવામાં સફળ રહેતો તે નીચે થાંભલાને ગોળ ફરતી યુવતીઓમાંથી તેને ગમે તે યુવતી સાથે લગ્ન કરતો હતો. જોકે ધીમે ધીમે પ્રથામાં પણ બદલાવ આવ્યો છે.
હવે આમ તો માત્ર મનોરંજન માટે આ ઉત્સવ મનાવાય છે. મેળામાં ખાણીપીણીનાં સ્ટોલ, રમત ગમતના હિંચકા, ઝૂલા જોવા મળે છે. તેમાં આદિવાસી પહેરવેશ સાથે લોકો આવે છે અને ઢોલ નગારા વાંજિત્રો સાથે મેળામાં ઝૂમે છે.