ભરૂચના જુમ્મા મસ્જિદ હાજી કિરમાણિમાં રહેતા શેખ અબ્દુલ રકીમ અબ્દુલ ગફૂરને અઢી મહિના અગાઉ ડીજે વગાડવાની નજીવી બાબતે કેટલાક માણસો સાથે બોલાચાલી થઇ હતી. તે અદાવત રાખીને સાઉથ આફ્રિકાથી ભરૂચ આવેલા અરબાઝ પઠાણ, હારૂન મંઝર, વસીમ પંડિતના સાથીઓએ ગાળાગાળી કરીને અબ્દુલ રકીમને માર માર્યો હતો. ઘાયલ અબ્દુલ શેખની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ હુમલામાં એક હુમલાખોર દ્વારા ઇજાગ્રસ્તને અગાઉ સાઉથ આફ્રિકાથી જાનથી મારી ધમકી પણ અપાઈ હતી.
• એસઇઝેડના ડેવલપમેન્ટ કમિશનરની સીબીઆઈ દ્વારા પૂછપરછઃ સચિન જીઆઈડીસીમાં આવેલા સુરત સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (સેઝ)ના ડેવલપમેન્ટ કમિશનર વિજયકુમાર શેવાળે કે જેઓનું હાલમાં ડેવલપમેન્ટ કમિશન મેંગ્લોર સેઝમાં પોસ્ટિંગ થયું છે તેમની સીબીઆઈએ કરોડો રૂપિયાની અપ્રમાણસર સંપત્તિ શોધી કાઢી હોવાથી તેમના પર ભ્રષ્ટાચાર વિરોધી કાનૂન હેઠળ કેસ દાખલ કરાયો છે. સીબીઆઇએ દરોડા દરમિયાન રૂપિયા ૧.૯૪ કરોડ રોકડા જપ્ત કર્યાં છે. ઉપરાંત ૩૦૦ ગ્રામ સોનું અને ૯૦૦ ગ્રામ ચાંદી પણ સીબીઆઇના અધિકારીઓને મળી છે.