નવસારીઃ ચીખલી તાલુકામાં આવેલા આલીપોરમાં છેલ્લા ૫૦ વર્ષથી એક પણ જૈન પરિવાર રહેતો નથી છતાં ગામમાં આવેલા જૈન દેરાસરમાં મુસ્લિમો નિયમિત પૂજા-અર્ચના કરે છે. સાત હજારની વસ્તી ધરાવતા આલીપોરમાં ૮૦થી ૯૦ ટકા વસ્તી મુસ્લિમ છે. ગામમાં ગામમાં બે મદ્રેસા, પાંચ મોટી મસ્જિદ આવેલી છે. મુસ્લિમ પરિવાર માટે જેટલી પવિત્ર મસ્જિદ છે એટલું જ પવિત્ર જૈન દેરાસર પણ છે.
રાત્રીના સમયે પણ વિહાર કરતા જૈન સાધુઓને મુસ્લિમ યુવકો અવારનવાર જૈન દેરાસર સુધી મૂકી જાય છે. આ જૈન દેરાસરમાં ૧૨૦૦ વર્ષ જૂની ગોડીજી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે. અહીં દર્શનાર્થે આવતા યાત્રિકો માટે ભોજનશાળા, ધર્મશાળા અને ઉપાશ્રયની પણ વ્યવસ્થા છે. આ જૈન તીર્થધામમાં વર્ષ દરમિયાન ૧૦ જેટલા ધાર્મિક ઉત્સવો યોજાય છે.
અઠ્ઠમતપની આરાધના વખતે અહીં પાંચ હજાર શ્રદ્ધાળુઓ આવે છે. પોષ દશમીના દિવસે ૪ હજારથી વધુ લોકો દર્શાનાર્થે આવે છે. પાર્શ્વનાથ ભગવાનના જન્મ કલ્યાણક દિવસે ૬ હજાર શ્રદ્ધાળુઓ આવે છે. અહીં દરરોજ ૩૦૦ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. કોઈ પણ ઉત્સવ પ્રસંગે મુસ્લિમ કુુટુંબો જૈન ભક્તોને ભાવથી સાચવે છે. આ જૈન દેરાસરના નિર્માણમાં આચાર્ય પ્રબોધચંદ્ર સૂરીશ્વરજીનું મોટું યોગદાન છે.
ગામના આગેવાન સલીમ પટેલના કહેવા મુજબ બાબરી મસ્જિદ ધ્વંસ વખતે આલીપોરમાં લશ્કરી દળ તૈનાત કરાયું હતું અને દેરાસરને ખસેડવાની વાત હતી ત્યારે મુસ્લિમ આગેવાનોએ કહ્યું હતું કે, ગામમાં દેરાસરને નુકસાન થાય તો અમને સજા કરજો.
દેરાસરના ટ્રસ્ટી પંકજભાઇ શાહ કહે છેે, દેરાસરને ગામની બહાર લઇ જવાની વાતની મુસ્લિમ આગેવાનોને જાણ થઈ તો તેમણે મંદિરને ગામમાં જ રાખવા આગ્રહ કર્યો. આ સંજોગોમાં જૈન સંતોએ ભગવાન સામે ચિઠ્ઠી નાંખી કે દેરાસર ખસેડવું કે નહીં તો જવાબ મળ્યો કે મારે અહિંયા જ રહેવું છે ગામની બહાર જવું નથી.