સુરતઃ ડાંગ જિલ્લાના વાસુર્ણા ગામમાં ત્રણ પેઢીઓના એક સાથે તાજેતરમાં લગ્ન થયાં. જેમાં પૌત્ર, પિતા અને દાદા એક જ મંડપમાં ૧૪મી મેએ લગ્નગ્રંથિથી જોડાયાં હતાં. આ સમૂહલગ્નમાં વાસુર્ણા ઉપરાંત આજુબાજુના ગામડાંના લોકો પણ જોડાયાં હતાં. આ સમૂહલગ્નમાં ૫૧ જોડીઓના લગ્ન કરાવાયાં હતાં. જેમાં ૩૦ કપલ એવાં હતાં જે છેલ્લા ૩૦ વર્ષથી પતિ-પત્ની તરીકે રહેતાં હતાં પરંતુ તેમનાં લગ્ન થયાં નહોતાં.
આ તમામ અગ્નિની સામે સાત ફેરા લઈ વિધિવત રીતે પતિ-પત્ની બન્યાં હતાં. વાસુર્ણા ગામના મહેન્દ્ર પાડવીએ ૫૦ વર્ષ બાદ ઇલા સાથે લગ્ન કર્યાં હતાં. આ સમારોહમાં તેના પુત્ર સુરેન્દ્ર અને પૌત્ર રાજેન્દ્રના પણ લગ્ન થયાં હતાં. ડાંગ જિલ્લામાં આદિવાસીઓ માટે કામ કરતી તેજસ્વીની સંસ્કૃતિ સંસ્થા દ્વારા આ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગરીબીના કારણે સવા રૂપિયા સાથે દીકરી વળાવી હતી
૭૨ વર્ષની ઉંમરે વરરાજા બનેલા મહેન્દ્ર પાડવીએ જણાવ્યું કે ગરીબીના કારણે ઇલા સાથે મારાં લગ્ન કરાવાયાં નહોતાં. તેનાં પિતાએ સવા રૂપિયો અને એક નારિયેળ આપીને ઇલાની વિદાય કરી હતી. લગ્નમાં થતો ખર્ચ ઉઠાવવાનું શક્ય ન હોવાથી અમારા પૂર્વજોએ સવા રૂપિયામાં દીકરીની વિદાય કરવાની પરંપરા અપનાવી હતી.