દુષ્કર્મ કેસમાં જેલવાસ ભોગવી રહેલા પિતા-પુત્ર આસારામ અને નારાયણ સાઇના ગોરખધંધાના મુખ્ય ધામ ગણાતા ઈન્દોરમાં ઇન્કમટેક્સ વિભાગે પાડેલા દરોડામાં સફળતા મળી છે. વિભાગને આ કથિત ધર્મગુરુ પાસેથી અંદાજે રૂ. ૪૦૦ કરોડનો ટેક્ષ વસૂલાય એટલા દસ્તાવેજો મળ્યા છે. સુરત ઇન્કમટેક્સ વિભાગના ૩૦૦ અધિકારીઓએ દેશના વિવિધ ૭૦ સ્થળે ગત સપ્તાહે ધોંસ બોલાવી હતી. વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગત છ વર્ષ દરમિયાન આસારામની સંપત્તિનો અંદાજ કાઢીને અધિકારીઓએ રૂ. એક હજાર કરોડના દસ્તાવેજો શોધી કાઢ્યા છે. જેના નિરીક્ષણ પછી વિભાગને દંડ અને ટેક્સ ટેક્સ મળીને અંદાજે રૂ. ૪૦૦ કરોડથી વધુ આવક થાય તેમ છે. આયકર વિભાગે સમગ્ર ઓપરેશનમાં ૬૦ જેટલા બેંક લોકર સીઝ કર્યા છે અને દેશભરમાંથી રોકડા રૂ. ૪.૩૬ કરોડ રોકડા કબજે લીધા છે.
• મૃત કોન્સ્ટેબલના પરિજનોને રૂ. પાંચ કરોડની સહાયઃ ગત મહિને પાટીદાર આંદોલનમાં શહીદ થનાર સુરતના કોન્સ્ટેબલ દિલીપ રાઠવાના પરિવારને આર્થિક સહાય માટે રાજ્ય પોલીસ વડા પી. સી. ઠાકુરે ગુજરાતના તમામ પોલીસકર્મીનો એક દિવસના પગાર શહીદના પરિવારને આપવાની જાહેરાત કરી હતી. ગુજરાતમાં ૭૦ હજાર કરતાં વધુ પોલીસકર્મીઓ ફરજ બજાવે છે. જો આ તમામ પોલીસકર્મીના એક દિવસના પગારની અંદાજિત ગણતરી કરીએ આશરે રૂ. પાંચ કરોડ કરતાં વધુ રકમ થાય છે. પોલીસે શહીદને આપવામાં આવતી રકમની સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે રૂ. પાંચ કરોડ એકત્ર થશે તો રાજ્યના પોલીસના ઈતિહાસમાં પોલીસ કોન્સ્ટેબલને મળતી સૌથી મોટી સહાય મળી ગણાશે. ઉલ્લેખનીય છે કે, દિલીપ રાઠવા ફીક્સ વેતનધારી પોલીસકર્મી હતા. તેમના માથે પરિવારની તમામ જવાબદારી હતી. પરિવારમાં માતા-પિતા, પત્ની અને બે સંતાનો છે.