સુરતઃ આસારામ-નારાયણ સાઇના હાઈ પ્રોફાઈલ સાધકોને ત્યાં ઈન્કમટેક્સ વિભાગે ગત સપ્તાહે દરડો પાડ્યા હતા. જેમાં આ પિતા-પુત્રએ નાણા અમેરિકામાં ટ્રાન્સફર કર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. આ ઉપરાંત તેમણે વ્યાજે નાણા આપવાના ધંધામાં હજારો કરોડ રૂપિયાની મિલ્કતો પણ ગિરવે લીધી છે.
બળાત્કારના કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામ-નારાયણે ભક્તો તરફથી મળેલા દાનમાંથી શરૂ કરેલા બિઝનેસનો વિભાગની તપાસમાં પર્દાફાશ થયો છે. તેમના સાધકોને ત્યાંથી આશ્ચર્ય થાય તેવા દસ્તાવેજો મળ્યા છે. ૧૦થી ૧૨ ટકામાં વ્યાજે નાણાં ફેરવતા પિતા-પુત્રની રૂ. ૫૦૦ કરોડની માત્ર વ્યાજની આવક છે અને મોટી રકમ અમેરિકામાં પણ મોકલાઇ હોવાનું બહાર આવ્યું છે. કેટલાક દસ્તાવેજો વિદેશમાં નાણાકીય વ્યવહાર કર્યા હોવાનું નિર્દેશ આપે છે. આથી હવે તેમની સામે ફેમા હેઠળ કાર્યવાહી પણ થવાની સંભાવના છે.