દુષ્કર્મ કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામ અને તેના પુત્ર નારાયણ સાઇના ૪૦થી વધુ ટ્રસ્ટમાં કરોડો રૂપિયાનો આર્થિક વ્યવહાર થયા હોવાનું ઇન્કમટેક્સ વિભાગની જાણમાં આવ્યું છે. વિવિધ પ્રવચન તથા તહેવારોમાં યોજાતા ખાસ કાર્યક્રમમાં આ બંને ભક્તો પાસેથી ટ્રસ્ટના નામે જ દાન લેતા હતા. વિભાગે ટ્રસ્ટમાં મોટી રકમનું દાન આપનારા સાધકોના નામોની યાદી પણ તૈયાર કરી છે. ટ્રસ્ટોમાં મોટા આર્થિક વ્યવહારો પણ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. જુદાજુદા ટ્રસ્ટોમાં આ રકમ કયા સ્વરૂપે સ્વીકારવામાં આવી તેમ જ દાનમાં મળેલી રકમની નોંધ થઇ છે કે કેમ તેની વિગતો ચકાસવામાં આવી રહી છે. ખાસ કરીને કથા-સત્સંગ કાર્યક્રમો દરમિયાન મોટી રકમ દાનમાં મળતી હોવાનું જણાયું છે.
કોસંબામાં રૂ. ૬.૫૦ કરોડની લૂંટનો આરોપી પાકિસ્તાની નીકળ્યોઃ સુરત નજીક કોસંબામાં આવેલા કે. એમ. ચોકસી જ્વેલર્સ શો-રૂમમાં વર્ષ ૨૦૧૦માં રૂ. ૬.૫૦ કરોડની કિંમતના ૪૦ કિલો સોનાના દાગીનાની લૂંટ થઇ હતી. પોલીસે આ કેસમાં પાકિસ્તાનના સૂત્રધાર સલીમ મલાઈની મુંબઈથી ધરપકડ કરી છે. સલીમ પાકિસ્તાની નાગરિક છે અને લૂંટ બાદ મુંબઈના ખારઘર વિસ્તારમાં રહેતો હતો. પોલીસે આ લૂંટમાં અત્યાર સુધીમાં રૂ. ૫૬ લાખના દાગીના અને રૂ. ૧૫ લાખ રોકડા રિકવર કર્યા છે. સલીમ ડાન્સબારમાં જવાનો શોખીન છે તેણે બારગર્લ્સ પાછળ લાખો રૂપિયા ખર્ચ્યા હોવાનું કહેવાય છે.
સુરતમાં ચાલુ વર્ષનો સ્વાઈન ફ્લૂનો આંક ૧૧૭ઃ રાજ્યમાં સ્વાઇન ફ્લુ અને ડેન્ગ્યુ રોગ દિનપ્રતિદિન વધી રહ્યો છે. ખાસ કરીને અત્યારે ગણેશોત્સવ અને ભેજવાળા વાતાવરણને કારણે આવનારા દિવસોમાં સ્વાઈન ફ્લુના કેસો વધવાની શક્યતા છે. વધુ ત્રણ મહિલા સહિત આઠ
વ્યક્તિને સ્વાઈન ફ્લુનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. સુરતમાં ચાલુ વર્ષની સિઝનમાં સ્વાઈન ફ્લુના દર્દીઓની સંખ્યા ૧૧૭ ઉપર પહોંચી છે. જેમાં ૧૭ લોકોના મોત થયા છે.