નવસારીઃ તાજેતરમાં ઇંગ્લેન્ડ ખાતે યોજાયેલી કોમવેલ્થ જુડો ચેમ્પિયનશિપ ૨૦૧૯માં નવસારીનાં કબીલપોરના મિસ્ત્રી પરિવારનાં ૨૨ વર્ષીય યુવાને ૯૦ કિગ્રા ગ્રુપમાં ઇંગ્લેન્ડના ખેલાડીને હરાવીને બ્રોન્ઝ મેડલ મેળવી ભારત અને નવસારીનું ગૌરવ વધાર્યું છે. મૂળ રાજસ્થાનના અને નવસારીના કબીલપોર ગામે આનંદવાટીકા સોસાયટીમાં રહેતા દેવીલાલ મિસ્ત્રીના નાના દીકરા અજય મિસ્ત્રી (ઉ. વ. ૨૨)એ ખેલમહાકુંભમાં કાઠું કાઢી રાજ્યસ્તરે જુડોની રમતમાં ઇનામ પ્રાપ્ત કર્યું હતું. એ બાદ તેને નડિયાદ ખાતે સ્પોર્ટસ એકેડેમીમાં તાલીમ માટે પસંદગી કરાઈ હતી. પાંચ વર્ષની તાલીમ બાદ આખરે ઇંગ્લેન્ડમાં કોમનવેલ્થ જુડો ચેમ્પિયનશિપમાં ૯૦ કિ.ગ્રા. વજન ગ્રુપમાં તેની પસંદગી કરવામાં આવી હતી.
મિત્રોની મદદથી મેડલ મેળવ્યો
અજય મિસ્ત્રીનું પરિવાર મધ્યમવર્ગીય છે. કોમવેલ્થ ચેમ્પિયનશિપ માટે અજયની પસંદગી થઈ ત્યારે પરિવાર ખુશ હતો, પણ આર્થિક પરિસ્થિતિની વાત આવતા પરિવાર હતાશ થયો હતો. તે દરમિયાન અજયના મિત્રો પરિમલ ટંડેલ, મિરલ પટેલ, આનંદ, સંદીપ ગૌસ્વામી સહિત મિત્રોએ આ વાતની ખબર પડતા મદદ કરી અને અજયે મેડલ મેળવ્યો.