સુરતઃ ટુ વ્હીલ બાઇક, થ્રી વ્હીલ બાઇક ચલાવતા લોકો જોવા મળે છે. પણ એક વ્હીલની બાઇક જોઇને સહેજેય આશ્વર્ય થાય. સુરતમાં રહેતા અને વલસાડની સરકારી પોલિટેકનિકના મિકેમિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ તાજેતરમાં એક વ્હીલવાળી બાઇક બનાવી છે. વિદ્યાર્થીઓએ આ બાઈકને ‘મોનોવ્હીલ’ નામ આપ્યું છે. ૬૦ દિવસની સતત મહેનત બાદ મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ એક વ્હીલવાળી બાઇક બનાવી છે. ‘મોનોવ્હીલ’ ગમે તેટલી સાંકળી જગ્યામાં પણ પાર્ક થઇ શકે છે. ‘મોનોવ્હીલ’ બનાવનારા કિશન સતાસીયા, મનન સોનેજી, સાગર પટેલ, રાજ મહેતા, નિકુંજ પાંડવ, જુગલ પટેલ પૈકી કિશને જણાવ્યું કે, કોલેજમાં એક પ્રોજેક્ટ બનાવવાનો હતો. એવી વસ્તુ બનાવવાની હતી જે સસ્તી હોય અને વધુ એવરેજ આપતી હોય. ઘર્ષણ ઓછું કરે અને સ્પીડ વધુ હોય. જેથી અમે વન વ્હીલ બાઇક બનાવવાનું વિચાર્યું.
પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું. એક વ્હીલ લીધું તેની અંદર રીંગ બનાવી સીટ તૈયાર કરી. સાથે પેટ્રોલની ટાંકી અટેચ કરી. સાથે ફિટ કર્યું ટુ સ્ટ્રોક એન્જિન. સીટ ઉપર તમે બેસો એટલે રીંગ ઉભી રહી જાય અને એન્જિન ચાલવા લાગે. જે ૨૫૦૦ આરપીએમ પર ચાલે છે. વન વ્હીલ બાઇકથી એક જ જગ્યાએ ૩૬૦નો રોટેશન લઇ શકાય છે. આ એક સ્પોર્ટસ બાઇક છે.