બારડોલીઃ બારડોલી તાલુકાના હરિપુરા ગામે નેતાજી સુભાષભંદ્ર બોઝની ૧રપમી જન્મજયંતીએ પરાક્રમ દિન તરીકેની ઉજવણી વખતે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાતની ધરતી સાથે આઝાદીકાળથી દેશના નેતાઓનો ગાઢ નાતો છે. હરિપુરા સાથે સુભાષચંદ્ર બોઝ, બારડોલી સાથે સરદાર પટેલ અને દાંડી સાથે ગાંધીજીની ગૌરવભરી યાદોથી પ્રત્યેક ગુજરાત ગર્વ અનુભવે છે. હરિપુરાની પાવન ધરા પર સુભાષબાબુનાં પગલાં થયા એ બારડોલી તાલુકા માટે જ નહીં પણ રાજ્ય માટે ગર્વની ક્ષણ છે, પરંતુ કોંગ્રેસ પરિવારવાદથી ઉપર આવી નથી, માત્ર મહાન સપૂતોના ઈતિહાસો ભૂંસવાનું કામ કર્યું છે.
કોઈ પણ રાષ્ટ્ર પોતાના સંઘર્ષમય ઈતિહાસમાંથી પ્રેરણા મેળવી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે છે, પરંતુ કોંગ્રેસે દેશનો ઈતિહાસ પોતાના નામે કરવામાં દેશના વીર સપૂતોને ભુલાવવાનું કામ કર્યું છે. જોકે તેને ઉજાગર કરવાનું કામ આપણા વડા પ્રધાન મોદી કરી રહ્યા છે.
ભાજપના નેતાઓને પોલીસે ધક્કે ચઢાવ્યા
મુખ્ય પ્રધાનના આગમન સાથે ભાજપના ધારાસભ્ય સહિત અન્ય આગેવાન હોદ્દેદાર કાર્યકરો મુખ્ય પ્રધાનના પ્રવેશદ્વાર રસ્તેથી સભા મંડપમાં જવા માંગતા હતા. ફરજ પરના પોલીસ અધિકારીઓએ ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોને ખખડાવીને ધક્કે ચડાવ્યા હતા.